અફઘાનિસ્તાનમાં એક રીતે તાલિબાને બળજબરીથી કબજો કરી લીધો છે અને લોકો જીવ બચાવી અન્ય દેશોમાં ભાગી રહ્યા છે. બીજી તરફ તેઓ પોતાના હથિયારના બળે ત્યાં સરકાર બનાવવા જઈ રહ્યા છે. જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે કહ્યું કે તેણે તાલિબાન અને તેમના સમર્થન કરનાર તમામ કન્ટેન્ટને પ્રતિબંધિત કરી દિધુ છે, કારણ કે તેઓ આ સમૂહને એક આતંકી સંગઠન માને છે.


કંપનીએ જણાવ્યું કે તેણે આતંકી સંગઠન સાથે જોડાયેલા કન્ટેન પર ધ્યાન રાખવા અને તેને હટાવવા અફઘાન એક્સપર્ટની એક ટીમ બનાવી છે. વર્ષોથી તાલિબાન પોતાના સંદેશને પહોંચાડવા માટે સતત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતું રહ્યું છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું “તાલિબાન અમેરિકાના કાયદા હેઠળ આતંકવાદી સંગઠન છે અને અમે પોતાની પોલિસી અનુસાર તેને સેવાઓથી બેન કર્યું છે. તેનો મતલબ એ પણ છે કે અમે તાલિબાન અને તેમના સમર્થનવાળા કન્ટેન્ટને પ્રતિબંધ કર્યું છે.”


દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની ફેસબુકે તાલિબાન સામે મોટી કાર્યવાહી કરી છે. ફેસબુકે કહ્યું છે કે તાલિબાન અમેરિકાના કાયદા હેઠળ આતંકવાદી સંગઠન છે. આવી સ્થિતિમાં તેને ફેસબુકની સેવાઓથી વંચિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય તાલિબાનના તમામ ખાતા કાઢી નાખવામાં આવશે. તેમજ તાલિબાનના સમર્થનમાં પોસ્ટ કરતા તમામ ખાતા પર પ્રતિબંધ મુકવામાં આવશે. ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની પાસે દરી અને પશ્તો ભાષાના નિષ્ણાતોની સંપૂર્ણ ટીમ છે જે અમને સ્થાનિક સામગ્રીની દેખરેખ અને માહિતી આપે છે.


ફેસબુકે કહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ફેસબુક પર ઘણા તાલિબાન નેતાઓ અને પ્રવક્તાઓ હાજર છે, જેમના ફોલોઅર્સની સંખ્યા લાખો છે. ફેસબુકનું કહેવું છે કે તેણે તાલિબાનને તેના મંચ પર પ્રતિબંધિત કરવાનો નિર્ણય રાષ્ટ્રીય સરકાર સાથે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયના અધિકારોનું પાલન કરીને લીધો છે. ફેસબુકે કહ્યું છે કે તેણે તેના તમામ પ્લેટફોર્મ એટલે કે ફેસબુક, ફેસબુક મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર તાલિબાન પર પ્રતિબંધ મૂક્યો છે.


અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા હેઠળના લોકો દેશ છોડવાનો ભારે પ્રયાસ કરી રહ્યા છે. એરપોર્ટ કોઈપણ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન કરતાં વધુ ગીચ છે. દરમિયાન ભારતીય દૂતાવાસના અધિકારીઓ સહિત અન્ય નાગરિકો સાથે કાબુલથી રવાના થયેલ એરફોર્સનું વિમાન ગુજરાતના જામનગર પહોંચી ગયું છે. આ વિમાન દ્વારા આશરે 120 લોકોને સુરક્ષિત રીતે તેમના ઘરે લાવવામાં આવ્યા છે.