US Accident: શુક્રવારે અમેરિકામાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. નાયગ્રા ધોધથી ન્યુ યોર્ક શહેર જઈ રહેલી એક બસ કાબુ ગુમાવીને ખીણમાં ખાબકી હતી. બસમાં કુલ 54 લોકો સવાર હતા. આ અકસ્માતમાં બસમાં સવાર 5 મુસાફરોના મોત થયા છે. અકસ્માત અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત બફેલોથી 40 કિલોમીટર પૂર્વમાં ત્યારે થયો જ્યારે પ્રવાસીઓ નાયગ્રા ધોધ જોઈને ન્યુ યોર્ક શહેર પરત ફરી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરો ભારતીય, ચીની અને ફિલિપિનો મૂળના લોકો હતા.
ન્યૂ યોર્ક સ્ટેટ પોલીસ કમાન્ડર મેજર આન્દ્રે રેએ શુક્રવારે સાંજે મૃત્યુઆંક આપતાં કહ્યું, "એવું માનવામાં આવે છે કે ડ્રાઇવરનું ધ્યાન ભટકાઈ ગયું અને તેણે કાબુ ગુમાવ્યો." રેએ કહ્યું કે અન્ય કોઈની હાલત ગંભીર નથી. ઘણા મુસાફરોને તબીબી સારવાર આપવામાં આવી હતી અને તેમને રજા આપવામાં આવી છે. બસ ડ્રાઇવર જીવિત અને સ્વસ્થ છે.
રાજ્યના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે તેમની ટીમ રાજ્ય પોલીસ અને સ્થાનિક અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહી છે. તેઓ બચાવ કામગીરીમાં રોકાયેલા છે અને અકસ્માતમાં સંડોવાયેલા તમામ લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે.
ન્યૂ યોર્કના વરિષ્ઠ યુએસ સેનેટર ચક શુમરે જણાવ્યું હતું કે, "આપણે જે લોકો ગુમાવ્યા છે અને જે ઘાયલ થયા છે તેમના માટે હું ખૂબ જ દુઃખી છું, અને હું તેમના પરિવારો માટે પ્રાર્થના કરું છું." તે જ સમયે, વિસ્તારની હોસ્પિટલોએ જણાવ્યું હતું કે તેઓએ 40 થી વધુ લોકોની સારવાર કરી છે. મુસાફરોને માથામાં ઇજાઓથી લઈને તૂટેલા હાથ અને પગ સુધીની ઇજાઓ થઈ છે. સર્જરી ચીફ ડૉ. જેફરી બ્રુઅરે જણાવ્યું હતું કે બફેલોના એરી કાઉન્ટી મેડિકલ સેન્ટરમાં સર્જરી કરાવનારા બે લોકોના સ્વસ્થ થવાની અપેક્ષા છે.