US-Iran War: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાએ બુધવારે ઈરાન સામે નવા સૈન્ય હુમલાની જાહેરાત કરી છે. અમેરિકી સેનાનું કહેવું છે કે આ કાર્યવાહીનો હેતુ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંના એક એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં આંતરરાષ્ટ્રીય જહાજરાનીને સુરક્ષિત રાખવાનો છે.
આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથે યુદ્ધ રોકવા માટે થયેલો આંતરિક સમજૂતી કરાર હવે તેમની દૃષ્ટિએ સમાપ્ત થઈ ગયો છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલા બાદ અમેરિકાની કાર્યવાહી
અમેરિકી સેનાના જણાવ્યા મુજબ બુધવારે ઈરાન સામે નવા હુમલાઓ શરૂ કરવામાં આવ્યા. આ કાર્યવાહી મંગળવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા ત્રણ માલવાહક જહાજો પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી હોવાનું અમેરિકાનું કહેવું છે.
હુમલાઓ બાદ ઈરાનના દક્ષિણ કિનારાના અનેક શહેરોમાં જોરદાર વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હોવાનું જણાવાયું છે.
ટ્રમ્પના આદેશ બાદ હુમલા વધુ તેજ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ બાદ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ ઈરાન સામે વધારાની સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકાનું કહેવું છે કે આ હુમલાઓનો હેતુ ઈરાનની તે ક્ષમતાને નબળી પાડવાનો છે જેના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં આંતરરાષ્ટ્રીય જહાજરાનીની સ્વતંત્રતા માટે ખતરો ઉભો થઈ શકે.
અમેરિકાએ તાજેતરમાં વ્યાવસાયિક જહાજો અને તેમના નાગરિક ક્રૂ પર થયેલા કથિત હુમલાઓ માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે અને કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગોની સુરક્ષા માટે આ કાર્યવાહી જરૂરી છે.
સતત બીજા દિવસે પણ હુમલા
અમેરિકાએ સતત બીજા દિવસે પણ ઈરાનના વિવિધ સ્થળો પર સૈન્ય હુમલા કર્યા. અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ આ હુમલાઓનો હેતુ ઈરાન પર દબાણ વધારવાનો છે જેથી તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વ્યાવસાયિક જહાજો પર થતા કથિત હુમલાઓ બંધ કરે.
અમેરિકાનું કહેવું છે કે ,આંતરરાષ્ટ્રીય વેપાર માટે અત્યંત મહત્વના આ સમુદ્રી માર્ગમાંથી પસાર થતા વ્યાવસાયિક જહાજો અને તેમના નાગરિક કર્મચારીઓની સુરક્ષા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
IRGCના સલમાન કમાન્ડ મુખ્યાલયને બનાવ્યું નિશાન
અમેરિકી હુમલાઓમાં દક્ષિણ-પૂર્વ ઈરાનના ઈરાનશહેર ખાતે આવેલા ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના સલમાન કમાન્ડ મુખ્યાલયને નિશાન બનાવાયું હતું.આ ઉપરાંત ઈરાનશહેર, ચાબહાર, કોનારક, બંદર અબ્બાસ, જાસ્ક, સિરિક અને કેશ્મ સહિતના દક્ષિણ ઈરાનના અનેક વિસ્તારોમાં પણ હુમલાઓ કરવામાં આવ્યા.
બુશહેરમાં સૈન્ય સુવિધામાં આગ લાગ્યાનો દાવો
અહેવાલો અનુસાર દક્ષિણ ઈરાનના બુશહેર પ્રાંતમાં ચોગદાક નજીક આવેલી IRGC એરોસ્પેસ ફોર્સની એક સૈન્ય સુવિધામાં આગ લાગી છે. દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી વાયુસેના અને નૌસેનાના હુમલા બાદ આ આગ લાગી હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
ઈરાનનો દાવો – દુશ્મનનું ડ્રોન તોડી પાડ્યું
ઈરાનની સમાચાર એજન્સી મેહર ન્યૂઝના અહેવાલ મુજબ દેશના દક્ષિણ વિસ્તારમાં ઈરાની વાયુ રક્ષા પ્રણાલીએ એક "દુશ્મન"નું ડ્રોન સફળતાપૂર્વક તોડી પાડ્યું છે.
અહેવાલમાં જણાવાયું છે કે ડ્રોન ઈરાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા બાદ તેને અવરોધીને નષ્ટ કરવામાં આવ્યું હતું. જોકે તે ડ્રોન કયા દેશનું હતું અને કયા હેતુથી મોકલવામાં આવ્યું હતું તેની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
ટ્રમ્પના નિવેદન પર ઈરાનના વિદેશ મંત્રીનો જવાબ
ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનોનો જવાબ આપતાં કહ્યું કે ઈરાન અસભ્ય ભાષાનો નહીં પરંતુ પોતાના કાર્યોથી જવાબ આપે છે.
તેમણે જણાવ્યું કે ટ્રમ્પના નિવેદનો ઈરાની જનતાના ગૌરવ, સન્માન અને દૃઢ સંકલ્પને નબળા પાડી શકશે નહીં. સાથે જ તેમણે પુનરોચ્ચાર કર્યો કે ઈરાન પોતાના રાષ્ટ્રીય હિતો અને સંપ્રભુતાની રક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને કોઈપણ દબાણ અથવા અપમાનજનક નિવેદન સામે ઝૂકશે નહીં
