Ukraine : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 17 દિવસથી યુદ્ધ શરૂ છે. આ દરમિયાન એક 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થી કે જે યુક્રેનની સેનામાં સ્વયંસેવક તરીકે જોડાયો હતો  તે હવે કોઈમ્બતુરમાં તેના ઘરે પરત ફરવા માંગે છે. તેના પરિવારના સૂત્રોએ આ માહિતી આપી હતી. આર સૈનિકેશ એરોસ્પેસ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે જે ગયા મહિને જ્યોર્જિયન નેશનલ આર્મીમાં જોડાયો હતો પરંતુ ગયા મહિને યુદ્ધ ફાટી નીકળ્યા પછી યુક્રેનના સમર્થનમાં રશિયન સૈનિકો સામે લડી રહ્યો હતો. પરંતુ બાદમાં પરિવારના સભ્યો સાથે ચર્ચા કરીને તેણે યુદ્ધ છોડીને પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.


જ્યોર્જિયન નેશનલ આર્મી એ અર્ધલશ્કરી એકમ છે જે મોટે ભાગે વંશીય જ્યોર્જિયન સ્વયંસેવકોનું બનેલું છે. આ સૈનિકો યુદ્ધમાં યુક્રેનની તરફથી લડી રહ્યા છે. આર સૈનિકેશના માતા-પિતાને ત્યારે ખબર પડી જ્યારે કેન્દ્રીય ગુપ્તચર અધિકારીઓ થોડા દિવસો પહેલા તેને મળ્યા અને સૈનિકેશની વિગતો પૂછી. સૂત્રોએ જણાવ્યું કે યુવકના પિતા રવિચંદ્રને ત્રણ દિવસ પહેલા તેના પુત્ર સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે ઘરે પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભારતીય અધિકારીઓ આ બાબતમાં ઊંડાણપૂર્વક દેખરેખ રાખી રહ્યા હોવાથી રવિચંદ્રનને આશા છે કે તેમનો પુત્ર ટૂંક સમયમાં તેમની સાથે જોડાશે.


તમિલનાડુના 21 વર્ષીય યુવક  આર સૈનિકેશે જ્યોર્જિયન નેશનલ આર્મી અર્ધલશ્કરી એકમના ભાગ રૂપે યુક્રેનના સમર્થનમાં શસ્ત્રો ઉપાડ્યા હતા.   મળતી માહિતી મુજબ એરોસ્પેસ એન્જિનિયરિંગના વિદ્યાર્થી આર સૈનિકેશે  રશિયન સેના સામે લડવા માટે હથિયાર ઉપાડ્યા હતા.


માહિતી અનુસાર, સપ્ટેમ્બર 2018માં, સૈનિકેશે ખાર્કિવની નેશનલ એરોસ્પેસ યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો હતો અને તેનો પાંચ વર્ષનો કોર્સ જુલાઈ 2023માં પૂરો થવાનો છે. પરંતુ તેના પરિવારના સભ્યો યુક્રેનિયન સૈન્ય સાથે રશિયા સામે શસ્ત્રો ઉપાડવા અંગે ચિંતિત હતા અને તેને ઘરે પાછા ફરવાનું કહ્યું, પરંતુ ત્યારે તેણે ના પાડી.