Anju In Pakistan: પાકિસ્તાની મહિલા સીમા હૈદરનો ભારત આવવાનો કિસ્સો હવે ચર્ચામાં છે જ ત્યાં આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે એક ભારતીય મહિલા તેના પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચી છે. રાજસ્થાનમાં રહેતી આ મહિલાનું નામ અંજુ છે. 34 વર્ષની અંજુએ ફેસબુક પર એક પાકિસ્તાની વ્યક્તિ નસરુલ્લા સાથે મિત્રતા કરી અને પછી તેની સાથે પ્રેમ થઈ ગયો.
અંજુ પરિણીત છે અને બે બાળકોની માતા છે. અંજુનો જન્મ ઉત્તર પ્રદેશના કૈલોર ગામમાં થયો હતો અને તે રાજસ્થાનના અલવર જિલ્લામાં રહેતી હતી. તે હવે તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાને મળવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના અપર ડીર જિલ્લામાં છે. અંજુએ સોમવારે પાકિસ્તાનથી પોતાનો વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તે ટૂંક સમયમાં ભારત પરત આવશે. અંજુએ ભારત પરત ફરવાની તારીખ પણ જાહેર કરી દીધી છે.
અંજુ વિઝા લઈને પાકિસ્તાન ગઈ હતી
અંજુએ વીડિયોમાં કહ્યું હતું કે, હું સત્તાવાર વિઝા લઈને પાકિસ્તાન આવી છું. હું અહીં સુરક્ષિત છું, મને કોઈ સમસ્યા નથી. હું થોડા દિવસોમાં પાછો આવીશ. હું મીડિયાને અપીલ કરું છું કે, મારા બાળક અને પરિવારને હેરાન ન કરો. અંજુ લીગલ વિઝા લઈને પાકિસ્તાન ગઈ છે. તેના વિઝા પૂર્ણ થયા બાદ તે 20 ઓગસ્ટે ઘરે પરત ફરશે. અંજુના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાએ પણ સોમવારે આ માહિતી આપી હતી. આ સાથે નસરુલ્લાએ અંજુ સાથે પ્રેમ સંબંધ હોવાના દાવાઓને પણ ફગાવી દીધા હતા.
લગ્ન કરવાનો કોઈ જ ઈરાદો નથી : નસરુલ્લા
નસરુલ્લા (29)એ કહ્યું હતું કે, અંજુ સાથે લગ્ન કરવાની તેનો કોઈ જ ઈરાદો નથી. જ્યારે પાકિસ્તાનના દિર જિલ્લાના એસપીએ કહ્યું હતું કે, 21 ઓગસ્ટે અંજુ પાકિસ્તાનથી પરત જશે. અમે તેમની સુરક્ષા માટે પોલીસ તૈનાત કરી છે.
ફેસબુક પર બન્યા હતા મિત્રો
નસરુલ્લાહ અને અંજુ ફેસબુક દ્વારા 2019માં મિત્રો બન્યા હતા. પેશાવરથી લગભગ 300 કિલોમીટર દૂર કુલશો ગામમાંથી પીટીઆઈ સાથેની ફોન પર વાતચીતમાં નસરુલ્લાએ કહ્યું હતું કે, અંજુ પાકિસ્તાન આવી ગઈ છે અને અમારી લગ્ન કરવાની કોઈ યોજના નથી. અંજુ મારા ઘરમાં પરિવારની અન્ય મહિલાઓ સાથે બીજા રૂમમાં રહે છે.
નસરુલ્લાહને છે આટલા ભાઈ-બહેન
પાકિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનને મોકલવામાં આવેલા સત્તાવાર દસ્તાવેજ અનુસાર, ઓફિસે માહિતી આપી છે કે, તેણે અંજુને માત્ર અપર ડીર જિલ્લા માટે 30 દિવસનો વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. નસરુલ્લા શેરિંગલ સ્થિત યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન સ્નાતક છે અને પાંચ ભાઈઓમાં સૌથી નાનો છે.
નસરુલ્લાએ કહ્યું હતું કે, જિલ્લા પ્રશાસને તેમને પૂરતી સુરક્ષા પૂરી પાડી છે અને અંજુ તેના પરિવાર સાથે સુરક્ષિત છે. પશ્તુન પ્રભુત્વ ધરાવતા ગામના લોકો ઇચ્છે છે કે, અંજુ સુરક્ષિત રીતે ભારત પરત ફરે. કારણ કે, તેઓ નથી ઇચ્છતા કે આ ઘટનાથી તેમના સમુદાયની બદનામી થાય. રાજસ્થાનના રહેવાસી અંજુના પતિ અરવિંદે આશા વ્યક્ત કરી છે કે, તેમની પત્ની જલ્દી પરત આવશે.
પરિવારે ધર્મને લઈને કર્યો મોટો ખુલાસો
આ દરમિયાન અંજુના પરિવારજનોએ ધર્મને લઈને મોટો દાવો કર્યો છે. અંજુના મામા રોશન લાલે યુપીને જણાવ્યું કે, અંજુ ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકી છે અને હજુ પણ ખ્રિસ્તી છે. અંજુના લગ્ન અલવરમાં થયા હતા. તેમને બે બાળકો છે. અંજુને 15 વર્ષની પુત્રી અને છ વર્ષનો પુત્ર છે. તેમના બાળકો તેમના પિતા સાથે ભીવાડીમાં છે. અમે એપ્રિલમાં અંજુને મળ્યા હતાં.