US Plane Accident: હ્યુસ્ટનના જ્યોર્જ બુશ ઈન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટ પર રવિવારે સવારે (2 ફેબ્રુઆરી) ટેકઓફ કરતા પહેલા યુનાઈટેડ એરલાઈન્સ ફ્લાઈટ 1382ના એન્જિનમાં આગ લાગી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, એરબસ A319માં સવાર 104 મુસાફરો અને 5 ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે ઉતર્યા હતા. એફએએના અહેવાલ મુજબ, સવારે લગભગ 8:35 વાગ્યે યુનાઈટેડ એરલાઈન્સ ફ્લાઈટ 1382ના ક્રૂએ એન્જિનમાં સમસ્યા હોવાની જાણ કરી, જેના પછી ટેકઓફ રદ કરવામાં આવ્યું.
FOX 26 ન્યૂઝના રિપોર્ટ અનુસાર, હ્યુસ્ટન એરપોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં પ્લેનની વિંગમાં આગ લાગી હતી.. એક ફ્લાઇટ એટેન્ડન્ટ મુસાફરોને શાંત રહેવા અને તેમની સીટ પર રહેવાની સૂચના આપતા સાંભળવામાં આવ્યો હતા. હ્યુસ્ટન ફાયર વિભાગે પુષ્ટિ કરી હતી કે આ ઘટનામાં કોઈ ઈજાના અહેવાલ નથી.FAAએ ઘટનાની તપાસ શરૂ કરી છે.
ફ્લાઇટ માહિતી
આ પ્લેન હ્યુસ્ટનથી ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ જઈ રહ્યું હતું. તેના બદલે, એક અલગ વિમાન 12:30 વાગ્યે ન્યૂયોર્ક માટે ઉડાન ભરશે. યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ 1382ની આ ઘટનાને મોટા અકસ્માતમાં ફેરવાતા બચાવી લેવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર હવાઈ સુરક્ષાના મહત્વને રેખાંકિત કર્યું છે.
અમેરિકામાં એક બાદ એક બે વખત પ્લેન ક્રેશ
અમેરિકામાં છેલ્લા એક સપ્તાહમાં બે વિમાન અકસ્માત થયા છે. પ્રથમ અકસ્માત વોશિંગ્ટન ડીસીમાં થયો હતો. જેમાં એક લશ્કરી હેલિકોપ્ટર અમેરિકન એરલાઇન સાથે અથડાયું હતું, જેમાં સવાર તમામ લોકો માર્યા ગયા હતા. હેલિકોપ્ટરમાં 4 લોકો હાજર હતા તો બીજી તરફ પ્લેનમાં 64 લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી 4 ક્રૂ મેમ્બર હતા. વોશિંગ્ટન દુર્ઘટનાના બે દિવસ પછી, એક નાનું વિમાન અમેરિકામાં બીજે ક્યાંક ક્રેશ થયું. ટેકઓફના 30 સેકન્ડ બાદ જ પ્લેનને અકસ્માત નડ્યો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા.