Pakistan Train Hijack: પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) એ મંગળવારે (21 માર્ચ, 2025) જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી લીધી હતી. BLA એ 100 થી વધુ મુસાફરોને બંધક બનાવ્યા છે. દરમિયાન, BLA એ ધમકી આપી છે કે જો તેની સામે કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે, તો બધા બંધકોને મારી નાખવામાં આવશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, બલુચિસ્તાન પોસ્ટે લખ્યું, BLA ચેતવણી: બલુચ લિબરેશન આર્મીએ અંતિમ ચેતવણી જાહેર કરી છે કે જો હવાઈ હુમલા તાત્કાલિક બંધ નહીં થાય, તો આગામી એક કલાકમાં તમામ 100+ બંધકોને મારી નાખવામાં આવશે.
પાકિસ્તાની સેના અને આઇએસઆઇના અધિકારીઓએને પણ બનાવ્યા બંધક એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ટ્રેનમાં પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISI ના અધિકારીઓ પણ મુસાફરી કરી રહ્યા હતા અને આ લોકોને પણ બંધક બનાવવામાં આવ્યા છે. BLA એ 6 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો પણ દાવો કર્યો છે. આ ટ્રેન દક્ષિણપશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી ત્યારે તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
બલુચિસ્તાન સરકારે શું કહ્યું ?એક રેલવે અધિકારીએ જણાવ્યું કે બલુચિસ્તાનના બોલાન જિલ્લાના મુશકાફ વિસ્તારમાં સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સરકારી પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું હતું કે બલુચિસ્તાન સરકારે કટોકટીના પગલાં લાદ્યા છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ સંસ્થાઓને એકત્ર કરવામાં આવી છે.
અશાંત બલૂચિસ્તાનમાં અલગતાવાદી આતંકવાદી જૂથોએ આ પ્રદેશમાં સેના અને ચીની પ્રોજેક્ટ્સ સામે વારંવાર હુમલાઓ કર્યા છે. BLA બલુચિસ્તાન માટે સ્વતંત્રતા ઇચ્છે છે. દાયકાઓથી પાકિસ્તાની સરકાર સામે લડતા અનેક વંશીય બળવાખોર જૂથોમાં તે સૌથી મોટું છે. સંગઠનનું કહેવું છે કે સરકાર બલુચિસ્તાનના સમૃદ્ધ ગેસ અને ખનિજ સંસાધનોનું અયોગ્ય રીતે શોષણ કરી રહી છે.
સૈન્ય કાર્યવાહી થશે તો લોકોને મારી નાખશે
બળવાખોર જૂથ બલૂચ લિબરેશન આર્મીએ કહ્યું કે જો તેમના અભિયાનના જવાબમાં કોઈ સૈન્ય કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો તેઓ લોકોને મારી નાખશે. જોકે આ લોકોએ મહિલાઓ અને બાળકોને છોડી દીધા છે. BLAએ દાવો કર્યો કે ભીષણ ગોળીબાર બાદ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને પછી તેને હાઈજેક કરી લીધી. આ ઘટના અંગે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.