Bangladesh fighter jet crash: બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ઉત્તરા વિસ્તારમાં સોમવારે બપોરે મિલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજમાં એક ફાઇટર જેટ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 19 લોકોના મોત થયા હતા, જેમાં 16 વિદ્યાર્થીઓ, 2 શિક્ષકો અને પાઇલટનો સમાવેશ થાય છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા પાઇલટની ઓળખ ફ્લાઇટ લેફ્ટનન્ટ મોહમ્મદ તૌકીર ઇસ્લામ તરીકે થઈ છે. અકસ્માત સમયે તે નિયમિત તાલીમ ઉડાન પર હતા. આ અકસ્માતમાં 160 લોકો ઘાયલ થયા છે.
ચીની મૂળનું ફાઇટર પ્લેન
ક્રેશ થયેલું વિમાન F-7BGI હતું, જે ચીનના J-7 નું એડવાન્સ વર્ઝન છે. તે બાંગ્લાદેશ વાયુસેનાના કાફલામાંના 16 વિમાનોમાંથી એક હતું (હવે 15 બાકી છે). અકસ્માતના અનેક વીડિયો સામે આવ્યા છે. એક ક્લિપમાં સળગતું એન્જિન કાટમાળ નીચે દટાયેલું જોવા મળ્યું હતું. બીજા વીડિયોમાં, લોકો કાટમાળ તરફ દોડતા જોવા મળ્યા હતા.
મૃત્યુઆંક વધી શકે છે
ઢાકા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધુ વધી શકે છે, કારણ કે વિવિધ સત્તાવાર સૂત્રો મૃતકો અને ઘાયલોની સંખ્યા અંગે અલગ અલગ આંકડા આપી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઘણા લોકોએ પોતાની નજર સામે વિમાનને ઇમારત સાથે અથડાતું જોયું હતું.
બાંગ્લાદેશ વાયુસેનાએ એક નિવેદન બહાર પાડ્યું
બાંગ્લાદેશ વાયુસેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે F-7 BGI તાલીમ વિમાન બપોરે 1:06 વાગ્યે ઉડાન ભરી હતી અને ઉત્તરા વિસ્તારમાં અકસ્માતનો ભોગ બન્યું હતું. દેશની ફાયર સર્વિસે જણાવ્યું હતું કે નવ ફાયર યુનિટ અને છ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી.
બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે અકસ્માતની તપાસ માટે જરૂરી પગલાં લેવામાં આવશે અને તમામ પ્રકારની સહાય સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે એક્સ પર લખ્યું હતું કે, 'આ રાષ્ટ્ર માટે ઊંડા દુ:ખની ક્ષણ છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું અને તમામ સંબંધિત એજન્સીઓને પરિસ્થિતિને અત્યંત પ્રાથમિકતા સાથે સંભાળવા સૂચના આપું છું.'
એક વિદ્યાર્થીએ જણાવ્યું કે વિમાન બપોરે 1:30 વાગ્યે ઉત્તરા 17 સ્થિત માઇલસ્ટોન કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિમાન શાળાના મકાન સાથે અથડાયું હતું, જેના પછી તેમાં આગ લાગી હતી. અકસ્માત બાદ, નજીકમાં હાજર લોકો પણ દોડી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા.