Bangladesh: બાંગ્લાદેશમાં મતદાનના દિવસે જ હિન્દુ યુવાનની હત્યા, ચાના બગીચામાંથી મળી લાશ
Hindu killing in Bangladesh: સામાન્ય ચૂંટણીના દિવસે ચંપારા વિસ્તારમાં ચાના બગીચામાંથી હિન્દુ યુવાન રતન સાહુકરનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવતાં બાંગ્લાદેશમાં વાતાવરણ તંગ બની ગયું હતું.

બાંગ્લાદેશમાં હાલ ચૂંટણીનો માહોલ છે અને આ દરમિયાન એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. ચમ્પારા વિસ્તારના એક ચાના બગીચામાંથી એક હિંદુ યુવકની લાશ મળી આવી છે. મૃતકની ઓળખ રતન સાહુકાર તરીકે થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે.
જાણકારી મુજબ, રતનના શરીર પર ઈજાના અનેક નિશાન હતા. તેની લાશ લોહીથી લથબથ હાલતમાં મળી હતી અને તેના બંને પગ પણ બાંધેલા હતા. પોલીસે મૃતદેહને કબજે કરીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે દરેક એન્ગલથી તપાસ કરી રહ્યા છે.
તાજેતરમાં જ એક હિંદુ વેપારીની થઈ હતી હત્યા
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બાંગ્લાદેશમાં એક હિંદુ વેપારીની હત્યાનો મામલો સામે આવ્યો હતો. મયમનસિંગ જિલ્લાના ત્રિશાલ ઉપજિલ્લામાં અજાણ્યા શખ્સોએ 62 વર્ષીય હિંદુ વેપારીની તેની પોતાની દુકાનમાં જ ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા કરી દીધી હતી.
આ વેપારીની ઓળખ સાઉથકંડા ગામના રહેવાસી સુસેન ચંદ્ર સરકાર તરીકે થઈ હતી. તેઓ 'ભાઈ ભાઈ એન્ટરપ્રાઇઝ' નામની દુકાનના માલિક હતા. હુમલાખોરોએ તેમના પર ધારદાર હથિયારથી હુમલો કર્યો અને ત્યારબાદ તેમને દુકાનની અંદર છોડીને શટર બંધ કરી દીધું હતું. જ્યારે સુસેન ચંદ્ર લાંબા સમય સુધી ઘરે ન પહોંચ્યા, ત્યારે પરિવાર તેમને શોધતા દુકાને પહોંચ્યો હતો. શટર ખોલતા જ તેઓ લોહીથી લથબથ હાલતમાં અંદર મળી આવ્યા હતા.
ડિસેમ્બર મહિનાથી હિંદુઓ પર હુમલા વધ્યા
બાંગ્લાદેશમાં કટ્ટરપંથી યુવા નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદથી હિંદુઓ પર હુમલાની ઘટનાઓમાં ઉછાળો આવ્યો છે. જેમ-જેમ સામાન્ય ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ-તેમ આ ઘટનાઓ વધુ તેજ બની છે. માત્ર ડિસેમ્બર 2025 માં જ સાંપ્રદાયિક હિંસાની 51 ઘટનાઓ નોંધાઈ હતી.
બાંગ્લાદેશમાં નિશાના પર હિંદુ સમુદાય
છેલ્લા કેટલાક મહિનાઓમાં અલગ-અલગ જિલ્લાઓમાંથી અનેક હિંદુઓની હત્યાના અહેવાલો મળ્યા છે:
-
નરસિંદી જિલ્લો: ગયા મહિને 25 વર્ષના એક હિંદુ યુવકને ગેરેજમાં સૂતી વખતે જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.
-
રાજબાડી જિલ્લો: અહીં એક હિંદુ પેટ્રોલ પંપ કર્મચારીને વાહન નીચે કચડી નાખવામાં આવ્યો હતો. એક ગ્રાહક પૈસા આપ્યા વગર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. જોકે, આ મામલો સાંપ્રદાયિક છે કે કેમ તેની તપાસ હજુ ચાલુ છે.























