નવી દિલ્હી:  પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યો છે. આ દરમિયાન એવા સમાચાર છે કે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે.  મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે. 






બાંગ્લાદેશમાં અનામત સામે વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત છે. રવિવારે સાંજે 6 વાગ્યાથી અહીં કર્ફ્યુ લાગુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. બગડતી સ્થિતિ જોઈને વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો છે.  વડાપ્રધાન શેખ હસીના તેમના પદ પરથી રાજીનામું આપી દિધુ છે.  


ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ શેખ હસીના ભારત રવાના થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીનાની બહેન પણ તેમની સાથે છે. શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષા દળોને આગ્રહ કર્યો છે કે તખ્તાપલટના પ્રયાસોને સફળ ન થવા દે. આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. કર્ફ્યુ અમલમાં છે. આ પહેલા સત્તારૂઢ અવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટી BNP વચ્ચે આર્મી હેડક્વાર્ટરમાં એક મોટી બેઠક યોજાઈ રહી છે. 


બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન થોડા સમયમાં દેશને સંબોધિત કરી શકે છે. અગાઉ, હજારો વિરોધીઓ દેશવ્યાપી કર્ફ્યુને બાયપાસ કરીને, લાંબી કૂચ માટે ઢાકાના શાહબાગ ચોક પર એકઠા થયા હતા. એક દિવસ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100 થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં 19 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.


ગયા મહિને નોકરીમાં અનામત માટેના વિરોધ પ્રદર્શન દરમિયાન 200થી વધુ લોકોનાં મોત થયાં હતાં. પ્રદર્શનકારીઓ મૃત્યુ પામેલા લોકો માટે જે જવાબદાર છે તેમની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં ફરી ભડકેલી હિંસા પછી દેશમાં ફરીથી અનિશ્ચિત મુદતનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.


પ્રદર્શનકારીઓ અસહકાર આંદોલનના પ્રથમ દિવસે રાજધાનીના સાયન્સ લેબ ચોક પર પણ એકત્રિત થયા અને તેમણે સરકાર વિરોધી નારા લગાવ્યા. વિરોધ પ્રદર્શનના સંયોજકોએ જણાવ્યું કે ઢાકાના સાયન્સ લેબ, ધાનમંડી, મોહમ્મદપુર, ટેકનિકલ, મીરપુર-10, રામપુરા, તેજગાંવ, ફાર્મગેટ, પંથપથ, જત્રાબાડી અને ઉત્તરામાં પણ પ્રદર્શનો અને રેલીઓનું આયોજન કરવામાં આવશે.