Tarique Rahman: બાંગ્લાદેશમાં તારિક રહેમાનનું શાસન મંગળવારથી શરૂ થશે. સંસદીય ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના વડા તારિક રહેમાન મંગળવારે સાંજે તેમના કેબિનેટ મંત્રીઓ સાથે વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રીય સંસદ ભવનના સાઉથ પ્લાઝા ખાતે નવા મંત્રીમંડળના સભ્યો માટે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે 1,200 દેશી અને વિદેશી મહેમાનો હાજરી આપે તેવી અપેક્ષા છે.

Continues below advertisement
Continues below advertisement

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બાંગ્લાદેશના નવા મંત્રીમંડળમાં 35 થી 37 સભ્યો હોવાની અપેક્ષા છે. આમાંથી 26 થી 27 પૂર્ણ મંત્રીઓ હોઈ શકે છે. 9 થી 10 રાજ્યમંત્રી તરીકે નિયુક્ત થઈ શકે છે.પહેલીવાર વડાપ્રધાન બની રહેલા 60 વર્ષીય રહેમાન ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર છે.

વચગાળાની સરકારનો અંત

5 ઓગસ્ટ, 2024ના રોજ વિદ્યાર્થી આંદોલનને કારણે શેખ હસીનાના નેતૃત્વ હેઠળની અવામી લીગ સરકારને ઉથલાવી દેવામાં આવી તે પછીની પ્રથમ સામાન્ય ચૂંટણી ગુરુવારે યોજાઈ હતી, જેમાં બીએનપી બે તૃતીયાંશ બેઠકો જીતી હતી. નવી સરકારની રચના મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારના લગભગ 18 મહિનાના શાસનનો અંત લાવશે.

શપથ ગ્રહણ સમારોહ સાંજે 4 વાગ્યે યોજાશે.

રાજ્ય સમાચાર એજન્સી બીએસએસએ સોમવારે સંસદ સચિવાલયના સચિવ કનીઝ મૌલાને ટાંકીને જણાવ્યું હતું કે, "શપથ ગ્રહણ સમારોહ મંગળવારે સાંજે 4 વાગ્યે સંસદ સંકુલના સાઉથ પ્લાઝા ખાતે યોજાશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન નવા મંત્રીમંડળને શપથ લેવડાવશે. તે પહેલાં સંસદના નવા ચૂંટાયેલા સભ્યો સવારે 10 વાગ્યે શપથ લેશે."

દરમિયાન, બીએનપીએ પોતાના નેતાની પસંદગી માટે સંસદ ભવનમાં સવારે 11:30 વાગ્યે સંસદીય પક્ષની બેઠક બોલાવી છે. બીએનપી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય સલાહુદ્દીન અહેમદે કહ્યું, "બહુમતી પક્ષના નેતા તરીકે અમારા પક્ષના પ્રમુખ તારિક રહેમાન વડા પ્રધાન બનશે."

ખાલેદ ઝિયાના મૃત્યુ પછી બીએનપીની બાગડોર સંભાળી

રહેમાને 30 ડિસેમ્બરે તેમની માતા ખાલેદા ઝિયાના મૃત્યુ પછી પાર્ટીની બાગડોર સંભાળી હતી. તેઓ લગભગ 18 વર્ષ પછી ગયા ડિસેમ્બરમાં લંડનથી સ્વદેશ પરત ફર્યા હતા. બીએનપી છેલ્લે 2001 થી 2006 સુધી સત્તા પર હતી જ્યારે ખાલેદા ઝિયા વડાપ્રધાન હતા.

શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ઓમ બિરલા

લોકસભાના સ્પીકર ઓમ બિરલા શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ બાબતથી પરિચિત લોકોના મતે, વિદેશ સચિવ વિક્રમ મિસરી અને લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ તેમની સાથે ઢાકા જાય તેવી અપેક્ષા છે.

બે હિન્દુઓ સહિત ચાર લઘુમતીઓ પણ સંસદ પહોંચ્યા

બે હિન્દુઓ સહિત ચાર લઘુમતીઓએ સામાન્ય ચૂંટણી જીતીને સંસદમાં પ્રવેશ કર્યો છે. તે બધા બીએનપીની ટિકિટ પર જીત્યા હતા. ગાયેશ્વર ચંદ્ર રાય ઢાકા બેઠક પર જીત્યા હતા. પશ્ચિમ માગુરા બેઠક પરથી નિતાઈ રોય ચૌધરીએ જીત મેળવી. બંને હિન્દુઓએ જમાત-એ-ઈસ્લામીના ઉમેદવારોને હરાવ્યા. ત્રીજા લઘુમતી સચિન પ્રુ છે, જે બૌદ્ધ ધર્મ પાળે છે. સંસદમાં પહોંચનારા ચોથા લઘુમતી દિપેન દિવાન છે. જોકે, તેમની ધાર્મિક ઓળખ અસ્પષ્ટ છે અને ઘણા લોકો તેમને હિન્દુ તરીકે ઓળખે છે.