Indiana: અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના ગ્રીનવુડમાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ફરી એકવાર તોડફોડ કરવામાં આવી છે. આ ઘટના 10 ઓગસ્ટની રાત્રે બની હતી, જેમાં એવો આરોપ છે કે કેટલાક બદમાશોએ મંદિરના સાઇનબોર્ડ અને દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. તેને 'ઘૃણાસ્પદ ગુનો' તરીકે જોવામાં આવી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં મંદિર પર આ ચોથો હુમલો છે, જેનાથી હિન્દુ સમુદાય ગુસ્સે ભરાયો છે.
BAPS પબ્લિક અફેર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે આવા હુમલાથી સમુદાયની એકતા વધુ મજબૂત થાય છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને પણ આ ઘટનાની તસવીરો શેર કરી અને તેને ખાલિસ્તાની સમર્થકોનું કામ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે હિન્દુઓને 'હિન્દુત્વ' કહીને બદનામ કરવાથી આવી નફરતને પ્રોત્સાહન મળે છે.
ભારતીય દૂતાવાસનો પ્રતિભાવ
શિકાગોમાં ભારતીય કોન્સ્યુલેટે આ ઘટનાની સખત નિંદા કરી છે. કોન્સ્યુલ જનરલે સ્થાનિક સમુદાય અને ગ્રીનવુડના મેયર સાથે બેઠક યોજી હતી અને એકતા અને સતર્ક રહેવાની અપીલ કરી હતી. દૂતાવાસે કાયદા અમલીકરણ એજન્સીઓ પાસેથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પહેલા પણ હુમલાઓ થયા છે
BAPS પબ્લિક અફેર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું છે કે એક વર્ષ કરતાં ઓછા સમયમાં ચોથી વખત અમારા મંદિરને નફરતથી નુકસાન થયું છે. સંગઠને તેને હિન્દુ વિરોધી નફરતનો ગુનો ગણાવ્યો અને નફરત સામે એક થવા કહ્યું હતું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકામાં હિન્દુ મંદિરો પર હુમલાઓની સંખ્યા વધી રહી છે.ટ
ભારત સરકારે સખત નિંદા કરી હતી
માર્ચ 2024માં કેલિફોર્નિયાના ચિનો હિલ્સ સ્થિત BAPS મંદિરમાં પણ આવી જ તોડફોડ કરવામાં આવી હતી. તે સમયે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ઘટનાને "ઘૃણાસ્પદ" ગણાવીને અમેરિકાની તપાસ એજન્સીઓ પાસેથી કડક કાર્યવાહી અને મંદિરોની સુરક્ષા વધારવાની માંગ કરી હતી.
કેલિફોર્નિયામાં પણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું
કેલિફોર્નિયા હુમલામાં, મંદિરની દિવાલો પર વાંધાજનક મેસેજ લખવામાં આવ્યા હતા, જે કથિત રીતે 'ખાલિસ્તાની લોકમત' પહેલા કરવામાં આવ્યા હતા. BAPS સંગઠને સ્પષ્ટ કર્યું હતું કે તે ક્યારેય નફરતને ખીલવા દેશે નહીં અને શાંતિ અને કરુણા જાળવી રાખશે. ગ્રીનવુડ ઘટના બાદ ભારતીય દૂતાવાસ અને BAPS સંગઠને સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહી અને ગુનેગારોની ધરપકડ કરવાની માંગ કરી હતી.
કડક કાર્યવાહીની માંગણી
હિન્દુ સંગઠનોએ અમેરિકી વહીવટીતંત્ર પાસેથી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને પૂજા સ્થળોની સુરક્ષા વધારવાની માંગ કરી છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના થોડા દિવસો પહેલા થયેલા આ હુમલાથી હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ભારે ઠેસ પહોંચી છે.