UAEમાં આયોજિત પ્રથમ હિંદુ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAE સરકારનો આભાર માન્યો અને કહ્યું કે UAE સરકારે ભારતના 140 કરોડ લોકોના દિલ જીતી લીધા છે. તેમણે કહ્યું કે આજે સંયુક્ત આરબ અમીરાતની ધરતીએ માનવ ઇતિહાસનો નવો સુવર્ણ ઇતિહાસ લખ્યો છે. આજે અબુધાબીની ધરતી પર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને તેની પાછળ વર્ષો જૂનું સપનું છે. ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ તેની સાથે જોડાયેલા છે.














વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજે પ્રમુખ સ્વામીજી દેવલોકમાં હશે, તેમની આત્મા ત્યાં ખૂબ જ પ્રસન્ન હશે. પૂજ્ય પ્રમુખ સ્વામી સાથે મારો સંબંધ પિતા પુત્રનો રહ્યો છે. તેઓ મારા માટે પિતા જેવા હતા અને જ્યારે હું કાંઇ નહોતો અને વડાપ્રધાન હતો ત્યારે પણ જો તેમને મારું કોઈ કામ ના ગમતું હોય તો તેઓ મને સ્પષ્ટ શબ્દોમાં કહેતા. દિલ્હીમાં જ્યારે અક્ષરધામનું નિર્માણ શરૂ થયું ત્યારે મેં શિલાન્યાસના કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો, તે સમયે હું રાજનીતિમાં કાંઇ નહોતો.


તેમણે કહ્યું હતું કે  "પ્રમુખ સ્વામી મહારાજે તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી કે યમુના કિનારે મંદિર હોય, જે તેમના શિષ્યએ પૂર્ણ કર્યું હતું. આજે હું તેમનો શિષ્ય તેમના સ્વપ્નને આગળ વધારી રહ્યો છું. આજે વસંતપંચમીનો તહેવાર પણ છે. મા સરસ્વતીનો ઉત્સવ પણ છે. મા સરસ્વતીનો અર્થ બુદ્ધિ અને વિવેકની માનવીય પ્રજ્ઞા અને ચેતનાની દેવી. મંદિર વધુ સારા ભવિષ્ય અને માનવતાની પણ કામના કરશે. આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક સૌહાર્દ અને એકતાનું પ્રતિક બનશે. "


વડાપ્રધાન મોદીએ શેખ નયન અલ મુબારકનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, "તેમણે અહીં જે લાગણીઓ વ્યક્ત કરી છે તે આપણા સપનાઓને મજબૂત કરવાનો આધાર બનાવશે."


તેમણે કહ્યું હતું કે UAE સરકારની પ્રશંસા કરવી જોઇએ તેવું તેમણે કામ કર્યું છે. આ મંદિરના નિર્માણમાં જો કોઈએ સૌથી મોટું યોગદાન આપ્યું હોય તો તે છે યોર હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ. UAE ની સમગ્ર સરકારે કેટલા દિલથી ભારતભરના કરોડો લોકોની ઈચ્છાઓ પૂરી કરી છે અને માત્ર અહીં જ નહીં પરંતુ ભારતમાં 140 કરોડ લોકોના દિલ જીતી લીધા છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, " શેખ મોહમ્મદ બિન ઝાયેદની ઉદારતા માટે ધન્યવાદ શબ્દ ખૂબ જ નાનો લાગે છે. હું ઈચ્છું છું કે UAE અને ભારત જ નહીં, પરંતુ આખી દુનિયા તેમની ઉદારતા માટે તેમને ઓળખે. 2015 માં જ્યારે હું અહીં આવ્યો ત્યારે હિઝ હાઇનેસ સમક્ષ મેં આ વિચાર અને ભારતના લોકોનું સ્વપ્ન મુક્યું હતું, તેમણે આંખના પલકારામાં હા પાડી. તેમણે ખૂબ જ ઓછા સમયમાં મંદિર માટે આટલી વિશાળ જમીન પ્રદાન કરી. 2018માં જ્યારે હું ફરીથી UAE આવ્યો ત્યારે મંદિરના બે મોડેલ હિઝ હાઈનેસની સામે મૂકવામાં આવ્યા હતા, જેમાંથી તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જ્યારે મંદિર બનશે ત્યારે તે સંપૂર્ણ ભવ્યતા સાથે બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે જ્યારે મંદિર બને ત્યારે તે મંદિર જેવું દેખાવું જોઈએ.  જે યુએઇ બુર્જ ખલીફા, શેખ મસ્જિદ અને અન્ય ઊંચી ઇમારતો માટે જાણીતું હતું તેમાં વધુ એક અધ્યાય જોડાઇ ચૂક્યો છે.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે મંદિર ભવિષ્યમાં યુએઈમાં આવનારા લોકોની સંખ્યામાં વધારો કરશે અને લોકોથી લોકોનું જોડાણ પણ વધશે. તેમણે કહ્યું, "ભારતના કરોડો ભારતીયો અને વિશ્વભરમાં રહેનારા ભારતીયો તરફથી હું રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદનો હૃદયપૂર્વક આભાર માનું છું."