અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સલાહકાર તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ ટ્રમ્પ સરકારમાં DOGE ચીફનું પદ સંભાળી રહ્યા હતા.

મસ્કે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે અમેરિકન સરકારમાં વિશેષ કર્મચારી તરીકેનો મારો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનું છું કે તેમણે મને સરકારના નકામા ખર્ચ ઘટાડવાની તક આપી હતી. સમય જતાં DOGEનું મિશન વધુ મજબૂત બનશે.

નોંધનીય છે કે કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે DOGEના કામને કારણે મસ્ક પોતાના બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા ન હતા. મસ્કે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. તાજેતરમાં મસ્કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'બિગ બ્યૂટીફૂલ' ટેક્સ બિલની ખુલ્લેઆમ ટીકા કરી હતી, ત્યારબાદ ટ્રમ્પ અને મસ્ક વચ્ચે મતભેદોના અહેવાલો આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સરકારી ખર્ચ ઘટાડવાની જવાબદારી  મસ્કને સોંપી હતી. જ્યારે ટ્રમ્પ જાન્યુઆરીમાં વ્હાઇટ હાઉસ પહોંચ્યા ત્યારે તેમણે મસ્કને નવા સરકારી વિભાગ DOGE (ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિએન્સી)નું નેતૃત્વ સોંપ્યું હતું.

મસ્કે ટ્રમ્પ સરકારના એક બિલનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આનાથી બજેટ ખાધ ઘટવાને બદલે વધશે અને DOGE ના પ્રયાસો નિરર્થક જશે. વાસ્તવમાં મસ્કે ટ્રમ્પના 'વન બિગ બ્યૂટીફૂલ બિલ' સામે મોરચો ખોલ્યો હતો. તેમણે ન્યૂઝ ચેનલ CBS ન્યૂઝ સાથેની મુલાકાત દરમિયાન બિલ પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મસ્કે કહ્યું હતું કે તે મોટું હોઇ શકે છે અથવા તો બ્યૂટીફૂલ હોઇ શકે છે પરંતુ આ બંને એકસાથે ન હોઈ શકે.

ટ્રમ્પના બિલમાં શું છે?

'વન બિગ બ્યૂટીફૂલ બિલ' ટ્રમ્પના ગોલ્ડન એજ વાળા વિઝન હેઠળ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં 2017માં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા કર ઘટાડાને 10 વર્ષ માટે લંબાવવા અને સરહદ સુરક્ષા ખર્ચ વધારવાનો ઉલ્લેખ છે.

આ ઉપરાંત બિલમાં અમેરિકન સરકારની દેવાની મર્યાદા વધારવાનો પણ પ્રસ્તાવ છે. આ બિલ ગયા અઠવાડિયે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. હવે તેને સેનેટમાં મોકલવામાં આવ્યું છે. નિષ્ણાતો માને છે કે આનાથી આગામી દાયકામાં બજેટ ખાધ 4 ટ્રિલિયન ડોલર સુધી વધશે.