Pakistan-China : ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને હવે ફરી એકવાર કાચિંડાની જેમ રંગ બદલવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાન તેના જીગરજાન ચીનથી ભારોભર નારાજ છે. અત્યાર સુધી ચીનની મદદ લઈને આગળ વધી રહેલા પાકિસ્તાને હવે તેને જ આંખ દેખાડવાનું શરૂ કરી દીધું છે. તેણે હવે ચીનને મોં પર જ ચોપડાવી દીધું છે કે, જો ચીનના નાગરિકોને તેમની સુરક્ષા જોઈતી હોય તો તેઓ પહેલા પૈસા જમા કરાવે. 


CPEC પ્રોજેક્ટમાં હાલમાં હજારો ચીની નાગરિકો પાકિસ્તાનમાં રહીને કામ કરે છે. તેમની સુરક્ષા માટે પાકિસ્તાને ખાનગી સુરક્ષા એજન્સીઓની મદદ લેવા અને તેમને ચૂકવણી કરવાનું કહ્યું છે. પાકિસ્તાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ચીનની સરકારે પાકિસ્તાનને બિનશરતી લોન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.


પાકિસ્તાન કંગાળ થયા બાદ ચીને તેને બિનશરતી પૈસા આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તાજેતરમાં જ ચીની નાગરિકો પર હુમલાના અહેવાલો હતા. ચીને કહ્યું હતું કે, પાકિસ્તાને લોન મેળવવા માટે IMFની મદદ લેવી જોઈએ. ઉપરાંત તેના નિયમો અને શરતોનું પાલન કરવું જોઈએ. ત્યારબાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંત સરકારના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, ચીનના નાગરિકો પરના હુમલાને ધ્યાનમાં રાખતા ચીન ખાનગી સુરક્ષા એજન્સીઓની મદદ લઈ શકે છે. બલૂચ વિદ્રોહીઓ અવારનવાર ચીની નાગરિકો પર હુમલા કરે છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરિકોને પોતાના ખર્ચે A શ્રેણીની સુરક્ષા માટે ખાનગી સુરક્ષા એજન્સીઓને હાયર કરવા જણાવ્યું છે. પંજાબ પ્રાંતના ગૃહ મંત્રાલય અને પોલીસની બેઠકમાં સરકાર સાથે કામ કરી રહેલા ચીની નાગરિકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.


પાકિસ્તાનમાં 7,567 ચીની નાગરિકોને અપાઈ રહી છે સુરક્ષા 


પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ, પંજાબ સરકારે ચીની નાગરિકોને સુરક્ષા આપવા માટે એક વિશેષ સુરક્ષા એકમની રચના કરી હતી. તે ખાસ પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા સંચાલિત હતું, જેમાં 3,336 સુરક્ષા કોન્સ્ટેબલ, 187 ડ્રાઇવર અને 244 ભૂતપૂર્વ સૈનિકોનો સમાવેશ થાય છે. આ તમામ CPEC યોજનામાં કામ કરતા 7,567 ચીની નાગરિકોને સુરક્ષા પૂરી પાડી રહ્યા હતા. હાલમાં પાકિસ્તાનના પંજાબમાં 4 CPEC પ્રોજેક્ટ અને 27 નોન-CPEC પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ સુરક્ષાકર્મીઓ ચીનના 70 ઘરો અને 24 કેમ્પની સુરક્ષા કરી રહ્યા છે.


ચીનના નાગરિકોએ પોતાની સુરક્ષા માટે પોતાની રીતે વ્યવસ્થા કરવી 


હવે ડીઆઈજી આગા યુસુફે કહ્યું હતું કે, દરેક ચીની નાગરિકને સુરક્ષા આપી શકાય નહીં. પાકિસ્તાનમાં સેંકડો ચીની નાગરિકો છે જે ખાનગી કંપનીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે દરેક ચીની નાગરિકની સુરક્ષા માટે ચૂકવણી ના કરી શકીએ. અમે ચીની નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ પોતાની સુરક્ષા પોતાના ખર્ચે કરે. ખાનગી કંપનીઓમાં કામ કરતા અથવા પાકિસ્તાનમાં વેપાર કરતા ચીની નાગરિકોએ પાકિસ્તાન સરકાર પર ભરોસે ના રહે.