અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વૈશ્વિક વેપાર મોરચે આક્રમક વલણ અપનાવ્યું અને 7 દેશો પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ પછી તેમણે બ્રાઝિલ પર પણ 50 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરી. અગાઉ, તેમણે અલ્જેરિયા, ઇરાક, લિબિયા, શ્રીલંકા (30 ટકા), બ્રુનેઈ, મોલ્દોવા (25 ટકા) અને ફિલિપાઇન્સ (20 ટકા) માટે ટેરિફની જાહેરાત કરી હતી. આ ડ્યુટી 1 ઓગસ્ટથી લાગુ થશે.

આ જાહેરાતના થોડા કલાકો પછી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કડક પ્રતિક્રિયા આપી અને આર્થિક બદલો લેવાની ચેતવણી આપી હતી. રાષ્ટ્રપતિ સિલ્વાએ સ્પષ્ટપણે કહ્યું કે જો અમેરિકા એકપક્ષીય રીતે બ્રાઝિલ પર આયાત ડ્યુટી વધારશે, તો બ્રાઝિલ પણ તેના જવાબમાં પગલાં લેશે.

ટ્રમ્પે ટેરિફ લાદતા બ્રાઝિલે ચેતવણી આપી

આ જાહેરાતના થોડા કલાકો પછી બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પ્રતિક્રિયા આપી અને અમેરિકાને આર્થિક બદલો લેવાની ચેતવણી આપી હતી.  સિલ્વાએ સ્પષ્ટપણે કહ્યું કે જો અમેરિકા એકપક્ષીય રીતે બ્રાઝિલ પર ટેરિફ વધારશે, તો બ્રાઝિલ પણ તે જ સ્તરે બદલો લેવાના પગલાં લેશે. ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણય બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો સાથે થઈ રહેલા વર્તનના સંદર્ભમાં લેવામાં આવ્યો છે. બોલ્સોનારો હાલમાં બળવાનું કાવતરું રચવાના આરોપસર ટ્રાયલનો સામનો કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ સિલ્વાના કાર્યાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, કોઈપણ દેશ દ્વારા એકપક્ષીય ટેરિફ વધારાનો બ્રાઝિલ જવાબ આપશે.' આ નિવેદન સાથે અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે વેપાર યુદ્ધનો ભય વધુ તીવ્ર બન્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે બ્રાઝિલ પર લાદવામાં આવેલ આ ટેરિફ બોલ્સોનારો સામેના મુકદ્દમાના વિરોધ અને અન્યાયી વેપાર સંબંધોને કારણે છે. તેમનો આરોપ છે કે બ્રાઝિલ અમેરિકા સાથે વાજબી વેપાર કરી રહ્યું નથી.