UK tobacco ban 2026: બ્રિટનની સંસદે દેશની આવનારી પેઢીને ધૂમ્રપાનના જીવલેણ વ્યસનથી બચાવવા માટે એક ઐતિહાસિક બિલ પસાર કર્યું છે. આ નવા કાયદા મુજબ, 31 ડિસેમ્બર 2008 પછી જન્મેલા કોઈપણ વ્યક્તિ પર આજીવન સિગારેટ કે તમાકુ ખરીદવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ધૂમ્રપાન વિરોધી સંસ્થાઓએ આ નિર્ણયને આવકારીને રાહતનો શ્વાસ લીધો છે. હવે આ કાયદાના અમલ માટે માત્ર બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ III ની ઔપચારિક મંજૂરીની જ રાહ જોવાઈ રહી છે. આ કાયદો લાગુ થતાં જ બ્રિટન દુનિયાનો સૌથી કડક ધૂમ્રપાન વિરોધી કાયદો ધરાવતો દેશ બની જશે અને ધીમે-ધીમે યુવાનો સિગારેટથી સંપૂર્ણપણે દૂર થઈ જશે.
કિંગ ચાર્લ્સની ઔપચારિક મંજૂરીની રાહ
આ 'તમાકુ અને વેપ્સ બિલ' હેઠળ 2008 ના વર્ષ પછી જન્મેલા બાળકો માટે સિગારેટની ખરીદી પર કાયમી ધોરણે બ્રેક વાગી જશે. અત્યારે આ બિલ સંસદમાંથી પાસ થઈ ગયું છે અને કાયદો બનવા માટે રાજા ચાર્લ્સ III ની મંજૂરીની ઔપચારિકતા જ બાકી છે. આ કાયદો સરકારને માત્ર તમાકુ જ નહીં, પરંતુ વેપિંગ (e-cigarettes) અને નિકોટિન વાળી અન્ય પ્રોડક્ટ્સ પર પણ કડક નિયંત્રણ લાવવાની સત્તા આપશે. આ નવો નિયમ આખા યુકે (ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડ) માં એકસાથે લાગુ પડશે. એક્શન ઓન સ્મોકિંગ એન્ડ હેલ્થના વડા હેઝલ ચીઝમેને આ નિર્ણયને આવકારતા સાચું જ કહ્યું છે કે, બીમારીની સારવાર કરવા કરતાં બીમારીને અટકાવવી જ વધુ સારી છે.
દર વર્ષે ખરીદીની ઉંમર 1 વર્ષ વધશે
હાલમાં બ્રિટનનો કાયદો એવો છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને સિગારેટ કે વેપ વેચવા ગેરકાયદેસર છે. પરંતુ નવા કાયદાની ખાસિયત એ છે કે હવે સિગારેટ ખરીદવા માટેની કાયદેસરની ઉંમરમાં દર વર્ષે 1 વર્ષનો વધારો કરવામાં આવશે. આનો સીધો અર્થ એ થયો કે જે લોકો 2008 પછી જન્મ્યા છે, તેઓ ક્યારેય સિગારેટ ખરીદવાની કાયદેસરની ઉંમર સુધી પહોંચી જ નહીં શકે અને તેમના માટે સિગારેટ ખરીદવી આખી જિંદગી ગેરકાયદેસર રહેશે. 2022 માં ન્યુઝીલેન્ડે પણ આવો જ કાયદો બનાવ્યો હતો, પણ ત્યાંની નવી સરકારે તેને રદ કરી દીધો હતો.
આંકડા શું કહે છે?
જો બ્રિટનના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, 1970 ના દાયકાથી અત્યાર સુધીમાં ધૂમ્રપાન કરનારાઓની સંખ્યામાં બે-તૃતીયાંશ જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં, આજે પણ દેશમાં લગભગ 6.4 મિલિયન (64 લાખ) લોકો ધૂમ્રપાન કરે છે, જે બ્રિટનની કુલ વસ્તીના 13 ટકા જેટલા થાય છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, યુકેમાં દર વર્ષે અંદાજે 80,000 લોકોના મોત માત્ર ધૂમ્રપાન સંબંધિત બીમારીઓને કારણે થાય છે. આ ઐતિહાસિક કાયદો આવનારી પેઢીના લાખો લોકોના જીવ બચાવવામાં મદદરૂપ સાબિત થશે.
