Buffalo car crash: અમેરિકામાં વસતા ભારતીય મૂળના એક પરિવાર માટે ધાર્મિક યાત્રા કરુણ અંજામ લઈને આવી. ન્યૂયોર્કના બફેલોથી વેસ્ટ વર્જિનિયાના એક મંદિરે દર્શન કરવા જઈ રહેલા આ પરિવારની કારનો અકસ્માત થતાં કારમાં સવાર તમામ 4 સભ્યોનું મૃત્યુ થયું છે. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પોલીસને માર્શલ કાઉન્ટીમાં એક ખીણ પાસેથી તેમનું વાહન મળી આવ્યું. ઘણા દિવસોની શોધખોળ બાદ આ દુઃખદ સમાચાર સામે આવતાં ભારતીય સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ડો. કિશોર દિવાન, આશા દિવાન, શૈલેષ દિવાન અને ગીતા દિવાન નામનો આ ભારતીય મૂળનો પરિવાર ન્યૂયોર્કથી વેસ્ટ વર્જિનિયામાં આવેલા આધ્યાત્મિક આશ્રમ 'પ્રભુપાદ પેલેસ ઓફ ગોલ્ડ' જઈ રહ્યો હતો. આ દરમિયાન, તેમની ટોયોટા કેમરી કાર 2 ઓગસ્ટ ના રોજ માર્શલ કાઉન્ટીમાં એક ઊંડી ખીણમાં પડી ગયેલી મળી આવી. પરિવાર 29 જુલાઈ થી ગુમ હતો અને તેમનો છેલ્લો સંપર્ક 30 જુલાઈ ના રોજ સવારે 3 વાગ્યે થયો હતો. પોલીસ દ્વારા સઘન તપાસ અને સેલફોન ટ્રેકિંગ બાદ આ કાર મળી આવી, જેમાં ચારેયના મૃતદેહ હતા.
ગુમ થયા બાદની શોધખોળ
પરિવારના સભ્યો, ડો. કિશોર દિવાન, આશા દિવાન, શૈલેષ દિવાન અને ગીતા દિવાન, 29 જુલાઈ ના રોજ તેમના બફેલોના ઘરેથી નીકળ્યા હતા. તેમની છેલ્લી ગતિવિધિ 29 જુલાઈ ના બપોરે 2:45 વાગ્યે પેન્સિલવેનિયાના એરીમાં એક બર્ગર કિંગ રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી, જ્યાં તેમના ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ થયો હતો. આ પછી, તેમના સેલફોનનું છેલ્લું સિગ્નલ 30 જુલાઈ ની સવારે 3 વાગ્યે માઉન્ડ્સવિલે અને વ્હીલિંગમાં મળ્યો હતો, પરંતુ તે પછી તેમનો કોઈ સંપર્ક થયો ન હતો.
દુર્ઘટના અને પોલીસ કાર્યવાહી
પરિવાર ગુમ થયા બાદ પોલીસ અને અન્ય અમેરિકન એજન્સીઓએ સઘન શોધખોળ શરૂ કરી હતી. 2 ઓગસ્ટ ના રોજ રાત્રે 9:30 વાગ્યે માર્શલ કાઉન્ટીના બિગ વ્હીલિંગ ક્રીક રોડ પાસે એક ખડકાળ ઢાળ પર તેમની આછા લીલા રંગની ટોયોટા કેમરી કાર મળી આવી. માર્શલ કાઉન્ટીના શેરિફ માઇક ડોગર્ટીએ જણાવ્યું કે પ્રાથમિક સારવાર ટીમો 5 કલાકથી વધુ સમય માટે ઘટનાસ્થળે હાજર હતી. કારની અંદરથી ચારેય સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તપાસ ચાલુ છે. ગુમ થયેલા પરિવારે તેમના ગંતવ્ય સ્થળે પ્રી-બુક કરેલા આવાસમાં ક્યારેય ચેક-ઇન કર્યું ન હતું, જેણે આ ઘટનાને વધુ રહસ્યમય બનાવી દીધી હતી. શેરિફ ડોગર્ટીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને જણાવ્યું કે તપાસ પૂરી થયા પછી વધુ માહિતી જાહેર કરવામાં આવશે. આ દુર્ઘટના એ વાતનો પુરાવો છે કે રસ્તા પર મુસાફરી કરતી વખતે નાની અમથી બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે.