કેનેડાની સરકાર નાગરિકતા કાયદામાં મહત્વપૂર્ણ સુધારો કરવા જઈ રહી છે. નવા નિયમ મુજબ બાળકના જન્મ પહેલા વાલી કેનેડામાં ત્રણ વર્ષ રહ્યા હોય તેને આપોઆપ નાગરિકતા મળશે. ફર્સ્ટ જનરેશન નિયમ મુજબ અત્યાર સુધી વિદેશમાં જન્મેલા કેનેડિયન માતાપિતાના બાળકો માટે નાગરિકત્વ મેળવવું મુશ્કેલ હતું. નવા કાયદાથી હજારો ભારતીય મૂળના પરિવારો તેમજ વિદેશમાં જન્મેલા કેનેડિયનોને લાભ થવાની સંભાવના છે. અગાઉના કાયદા અનુસાર, કેનેડાની બહાર જન્મેલા અથવા દત્તક લેવાયેલા બાળકોને એ જ શરતે નાગરિકતા મળતી જેમના માતાપિતામાંથી કોઈપણ એકનો જન્મ કેનેડામાં થયો હોય અથવા તે ત્યાંના નાગરિક હોય. આ નિયમને કારણે અનેક લોકો લોસ્ટ કેનેડિયન્સ તરીકે ઓળખાવા લાગ્યા હતા. તેમના મતે તેઓ નાગરિક તો હતા પણ તેમને કાનૂનની માન્યતા નહોતી મળી. ડિસેમ્બર 2023માં ઓન્ટેરિયો સુપીરીયર કોર્ટે ચૂકાદો આપ્યો કે આ જોગવાઈ ગેરબંધારણીય છે. સરકારે ચૂકાદાનો સ્વીકાર કર્યો અને તેની સામે અપીલ ન કરવાનો નિર્ણય કર્યો હતો. 

Continues below advertisement

કેનેડા તેના નાગરિકતા કાયદામાં મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે. આનાથી હજારો ભારતીય મૂળના પરિવારોને રાહત મળી શકે છે જેમના બાળકો કેનેડાની બહાર જન્મ્યા હતા અને જૂના નિયમોને કારણે નાગરિકતા નકારવામાં આવી હતી. સરકાર કહે છે કે નવો કાયદો પરિવારોને ન્યાય આપશે અને આધુનિક જરૂરિયાતોને અનુરૂપ છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રી લેના મેટલેજ-ડિયાબે જણાવ્યું હતું કે બિલ C-3 જૂના કાયદાઓમાં ખામીઓને દૂર કરશે. તેમના મતે, આ ફેરફાર એવા લોકોને નાગરિકતા પરત અપાવશે જેમને અગાઉના નિયમોને કારણે બાકાત રાખવામાં આવ્યા હતા.

અત્યાર સુધી નિયમ શું હતો?

Continues below advertisement

અત્યાર સુધી 2009ના નિયમો હેઠળ ફક્ત વિદેશમાં જન્મેલા બાળકો જ નાગરિકતા મેળવી શકતા હતા જો માતા પિતા બેમાંથી એક કેનેડામાં જન્મ્યા હોય અથવા ત્યાં નાગરિક બન્યા હોય. આ નિયમને કારણે ઘણાને "લોસ્ટ કેનેડિયન" કહેવામાં આવતા હતા, જેનો અર્થ એ થાય કે જેઓ માનતા હતા કે તેઓ નાગરિક છે પરંતુ કાયદો તેમને માન્યતા આપતો નથી. નવા કાયદામાં એક મોટો ફેરફાર સબસ્ટેન્ટિયલ કનેક્શન ટેસ્ટ છે. આ અંતર્ગત વિદેશમાં જન્મેલા કેનેડિયન માતાપિતા તેમના બાળકને નાગરિકતા ત્યારે જ આપી શકશે જો તેઓ બાળકના જન્મ અથવા દત્તક લેતા પહેલા ઓછામાં ઓછા 1,095 દિવસ (લગભગ ત્રણ વર્ષ) કેનેડામાં રહ્યા હોય. આ જ નિયમ યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં લાગુ પડે છે.

2026 સુધીમાં નવો નિયમ લાગુ કરવામાં આવશે

કેનેડિયન કોર્ટે સરકારને આ ફેરફારો લાગુ કરવા માટે જાન્યુઆરી 2026 સુધીનો સમય આપ્યો છે. ઇમિગ્રેશન વકીલો માને છે કે એકવાર પ્રક્રિયા શરૂ થઈ ગયા પછી નાગરિકતાની અરજીઓ ઝડપથી વધશે. કેનેડિયન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (CILA) એ પણ આ સુધારાનું સ્વાગત કર્યું છે.

કેનેડાના 1947 ના નાગરિકતા કાયદામાં ઘણી જોગવાઈઓ હતી જેના કારણે ઘણા લોકોએ તેમની નાગરિકતા ગુમાવી હતી અથવા તે સાબિત કરવામાં અસમર્થ હતા. 2009 અને 2015 માં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા અને લગભગ 20,000 લોકોએ તેમની નાગરિકતા પાછી મેળવી હતી.

કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યો

પરંતુ વિદેશમાં જન્મેલા બાળકોને સ્વચાલિત નાગરિકતાથી પ્રતિબંધિત કરતા 2009ના નિયમને 2023માં કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યો. સરકારે કોર્ટના નિર્ણયનો સ્વીકાર કર્યો અને તેને પડકાર્યો નહીં.