Canada Discontinued it SDS Visa Program: કેનેડાએ શુક્રવારે (8 નવેમ્બર) તેની "સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ" (SDS) વિઝા યોજના બંધ કરવાની જાહેરાત કરી. કેનેડાએ આ નિર્ણય પાછળ કેનેડાના વધતા આવાસ સંકટ અને સંસાધનોની અછતનો સામનો કરવાનું કારણ જણાવ્યું છે. જોકે, કેનેડાના આ પગલાથી ભારતીય વિદ્યાર્થીઓને હવે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. હવે ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડાનાં વિઝા મેળવવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
કયા દેશોના વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળતો હતો
કેનેડાની આ SDS વિઝા યોજના હેઠળ ભારત, બ્રાઝિલ, ચીન, કોલંબિયા, કોસ્ટા રિકા, મોરોક્કો, પાકિસ્તાન, પેરુ સહિત કુલ 14 દેશોના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ વિઝા અરજી પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવામાં આવી હતી. હવે આ યોજના બંધ થવાથી આ દેશોના વિદ્યાર્થીઓની વિઝા પ્રક્રિયામાં વધુ સમય લાગશે.
કેનેડા સરકારે વેબસાઈટ પર આપી આ માહિતી
કેનેડા સરકારે આ યોજના બંધ કરવા અંગે તેની વેબસાઈટ પર જણાવ્યું કે આ નિર્ણય "કાર્યક્રમની મજબૂતી, વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા અને સમાન તકો આપવા" માટે લેવામાં આવ્યો છે. માહિતી આપવામાં આવી કે 8 નવેમ્બરે બપોરે 2 વાગ્યા (ET) સુધી મળેલી તમામ અરજીઓ આ યોજના હેઠળ પ્રક્રિયામાં રહેશે. જ્યારે ત્યારબાદ આવનારી તમામ અરજીઓ રેગ્યુલર સ્ટડી પરમિટ સ્ટ્રીમ પ્રક્રિયા હેઠળ જ પ્રોસેસ કરવામાં આવશે.
ભારતીય વિદ્યાર્થીઓ પર આ યોજના બંધ થવાની શું થશે અસર?
SDS વિઝા યોજના હેઠળ વિઝા અરજી કરવાની પ્રક્રિયા ખૂબ ઝડપી અને સરળ હતી. હવે આ યોજના બંધ થયા બાદ ભારતીય વિદ્યાર્થીઓએ વિઝા માટે સામાન્ય વિઝા પ્રક્રિયાનો સામનો કરવો પડશે, જે વધુ લાંબી હોઈ શકે છે. આ ઉપરાંત આ યોજના હેઠળ વિઝા સ્વીકૃતિનો દર ખૂબ ઊંચો હતો. હવે વિદ્યાર્થીઓને વિઝા માટે વધુ દસ્તાવેજોની જરૂર પડશે. જેનાથી સરળતાથી વિઝા મળવાની શક્યતા પર અસર પડી શકે છે.
આવનારી ચૂંટણીમાં બની શકે છે મહત્વપૂર્ણ મુદ્દો
SDS વિઝા યોજના બંધ કરવાનો આ નિર્ણય કેનેડાની આવનારી સંઘીય ચૂંટણીઓમાં એક મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે. ઘણા પોલ્સમાં જનતા માને છે કે કેનેડામાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા ખૂબ વધી ગઈ છે.
આ પણ વાંચોઃ