દુનિયામાં જ્યારે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે ચીની મીડિયાએ એક ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. ચીનના સત્તાવાર લશ્કરી અખબાર 'PLA ડેઈલી'ના અહેવાલ મુજબ, એશિયાનો વિકસિત દેશ જાપાન અત્યારે રશિયા અને અમેરિકા કરતા પણ મોટી પરમાણુ શક્તિ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ચીની મીડિયાનો આરોપ છે કે જાપાન પાસે પ્લુટોનિયમનો એટલો મોટો ભંડાર છે કે તે ધારશે તો બહુ ઓછા સમયમાં વિશ્વની સૌથી મોટી ન્યુક્લિયર તાકાત બની જશે. આ વાતને લઈને પાડોશી દેશ ચીન અને તેના રાષ્ટ્રપતિ શી જિનપિંગમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
44.4 ટન પ્લુટોનિયમનો ખતરનાક ભંડાર
ચીની મીડિયાના જણાવ્યા અનુસાર, જાપાન પાસે હાલમાં 44.4 ટન પ્લુટોનિયમનો વિશાળ જથ્થો ઉપલબ્ધ છે. આ પ્લુટોનિયમ માત્ર જાપાનમાં જ નહીં, પરંતુ ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોમાં પણ સંગ્રહિત છે. આંકડાકીય વિગતો મુજબ, 8.6 ટન પ્લુટોનિયમ જાપાનની અંદર છે, જ્યારે 35.8 ટન વિદેશમાં છે (જેમાં 21.7 ટન બ્રિટન અને 14.1 ટન ફ્રાન્સમાં રાખવામાં આવ્યું છે). જાપાનના ન્યુક્લિયર પ્લાન્ટમાંથી નીકળતા કચરાને રિપ્રોસેસિંગ કરીને આ પ્લુટોનિયમ મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ લશ્કરી હેતુ માટે થઈ શકે છે.
અમેરિકા અને રશિયા કરતા પણ વધુ તાકાતવર બનશે!
અહેવાલમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, જાપાન આ 44.4 ટન પ્લુટોનિયમની મદદથી અંદાજે 5,500 પરમાણુ બોમ્બ બનાવી શકે છે. જો આવું થાય, તો જાપાનની તાકાત રશિયા કરતા પણ વધી જશે, જે હાલમાં 5,400 પરમાણુ હથિયારો સાથે વિશ્વમાં પ્રથમ નંબરે છે. જાપાન અત્યાર સુધી શાંતિવાદી નીતિઓ પાછળ પોતાની સંરક્ષણ ક્ષમતા છુપાવતું આવ્યું છે, પરંતુ હવે તે 'રેડ લાઇન' પાર કરી રહ્યું હોવાનું ચીની મીડિયાનું કહેવું છે.
સંરક્ષણ બજેટમાં 18 ગણો વધારો
જાપાન પોતાની ટેક્નોલોજી અને સંરક્ષણ ઉદ્યોગનો પણ ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે, જાપાને 2025માં તેના ટેક્નોલોજી ટ્રાન્ઝિશન રિસર્ચ પ્રોગ્રામ માટે 109.6 મિલિયન ડોલર ફાળવ્યા છે, જે વર્ષ 2022ની સરખામણીએ 18 ગણો વધારે છે. ચીનનો આરોપ છે કે જાપાન નાગરિક ટેક્નોલોજીના નામે હકીકતમાં પોતાના સૈન્ય ઉદ્યોગને મજબૂત કરી રહ્યું છે.
પરમાણુ વિરોધી સિદ્ધાંતો અને NPTનું શું?
જાપાન 1967થી પોતાના ત્રણ પરમાણુ વિરોધી સિદ્ધાંતોને વળગી રહ્યું છે: (1) પરમાણુ શસ્ત્રો રાખવા નહીં, (2) ઉત્પાદન કરવું નહીં અને (3) પોતાની ધરતી પર લાવવા દેવા નહીં. જોકે, ચીની સેનાનું માનવું છે કે જાપાન આ પ્રતિબંધો ગમે ત્યારે હટાવી શકે છે. નોંધનીય છે કે જાપાન અને ઈરાન બંને પરમાણુ અપ્રસાર સંધિ (NPT) ના સભ્યો છે, જે તેમને પરમાણુ શસ્ત્રો રાખતા રોકે છે. હવે જોવાનું એ રહેશે કે આ આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે જાપાનની આ 'ગુપ્ત મહત્વાકાંક્ષા' આવનારા સમયમાં એશિયાનું રાજકારણ કેવું વળાંક લે છે.
