China Coronavirus Situation: ચીનમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ચીનની ઝીરો કોવિડ પોલિસીનો લોકો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન દક્ષિણી ચીનના શહેરમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું હતુ. ન્યૂઝ એજન્સી AFP અનુસાર, ચીનના દક્ષિણી શહેરમાં કોરોના પ્રતિબંધો વિરુદ્ધ ચીનના નાગરિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. બુધવારે (30 નવેમ્બર) ચીનમાં કોરોનાના 37612 નવા કેસ નોંધાયા છે.






ચીનની ટોચની સુરક્ષા સંસ્થાએ મંગળવારે મોડી રાત્રે ચેતવણી આપી હતી કે સત્તાવાળાઓ કોરોના પ્રતિબંધો વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો પર નકારાત્મક પગલાં લેશે. ચીનની રાજધાની બેઇજિંગ અને શાંઘાઈ સહિત અનેક મોટા શહેરોમાં સપ્તાહના અંતે વિરોધની ઘટનાઓ બની છે. ચીનની વિશાળ સુરક્ષા વ્યવસ્થાએ આ વિરોધોને દબાવવા માટે કડક કાર્યવાહી કરી હતી.


દરમિયાન ચીનમાં કોરોના પ્રતિબંધો સામે વિરોધ પ્રદર્શનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચીનના દક્ષિણી શહેર ગ્વાંગઝૂમાં મંગળવારની રાત્રે અને બુધવારે નવા વિરોધ પ્રદર્શનો થયા હતા.  ચેન નામના ગ્વાંગઝૂના રહેવાસીએ બુધવારે એએફપીને જણાવ્યું હતું કે તેણે લગભગ 100 પોલીસ અધિકારીઓને હાઇઝુ જિલ્લાના હોજિયાઓ ગામમાં એકઠા થતા જોયા હતા અને મંગળવારે રાત્રે ઓછામાં ઓછા ત્રણ લોકોની ધરપકડ કરી હતી.


ચીનની ઝીરો કોવિડ પોલિસી પર ગુસ્સો


ચીનના મોટાભાગના વિસ્તારોમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ફરી એકવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે ચીનની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. જબરદસ્તી લોકડાઉનને કારણે ચીનના નાગરિકોમાં ઘણો ગુસ્સો છે અને તેઓ રસ્તા પર ઉતરીને તેનો વિરોધ કરી રહ્યા છે.


રાષ્ટ્રપતિ શી જિનપિંગના રાજીનામાની માંગ


વિરોધીઓએ સામ્યવાદી ચીનમાં વ્યાપક રાજકીય સુધારાની પણ માંગ કરી છે, જેમાં કેટલાકે રાષ્ટ્રપતિ શી જિનપિંગને રાજીનામું આપવાની માંગ કરી છે. એટલુ જ નહીં , મંગળવારે હોંગકોંગની સૌથી જૂની યુનિવર્સિટીમાં એક ડઝનથી વધુ લોકોએ ભીડનું નેતૃત્વ કર્યું હતું અને "મને આઝાદી આપો અથવા મને મોત આપો" જેવા નારા લગાવ્યા હતા. ચીનના ઘણા પ્રાંતોમાં હવે સ્થિતિ લોકડાઉન જેવી થઈ ગઈ છે. ચીને તાજેતરમાં લોકડાઉન, સામૂહિક ટેસ્ટિંગ, મુસાફરી પ્રતિબંધો અને અન્ય ઘણા નિયંત્રણો લાગુ કર્યા છે. લોકડાઉન અને અનેક પ્રતિબંધોએ વસ્તીને હતાશામાં મૂકી દીધી છે.