China On Terrorist Sajid Mir: આતંકવાદને લઈને ફરી એકવાર ચીનની અવળચંડાઈ સામે આવી છે. ચીને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાની આતંકીને બચાવી લીધો છે. લશ્કરના આતંકવાદી સાજીદ મીરને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આતંકવાદીની યાદીમાં મૂકવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને ચીને અટકાવી દીધો છે. અમેરિકાએ સાજિદ મીર પર 5 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે.


ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચીને સંયુક્ત રાષ્ટ્રમાં મીરને નામાંકિત કરવાના પ્રસ્તાવ પર રોક લગાવી દીધી હતી. સાથે જ ચીને આ પ્રસ્તાવને રોકી દીધો છે. આતંકવાદી સાજિદ મીર 26/11ના મુંબઈ હુમલામાં વોન્ટેડ છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)એ આતંકવાદીઓને મુંબઈ મોકલીને આ હુમલા કર્યા હતા. આ દરમિયાન આતંકીઓએ હોટલ, કાફે અને રેલવે સ્ટેશનને નિશાન બનાવ્યા હતા. જેમાં લગભગ 170 લોકો માર્યા ગયા હતા.


સાજિદ મીર મુંબઈ હુમલાનો આરોપી


ત્રણ દિવસના હુમલા દરમિયાન છ અમેરિકનો પણ માર્યા ગયા હતા. આતંકવાદી મીર કથિત રીતે હુમલાનો મુખ્ય પ્લાનર હતો. તેણે હુમલા દરમિયાન આતંકીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત સાજિદ મીરે 2008 થી 2009 વચ્ચે ડેનમાર્કમાં એક ન્યૂઝ પેપરના કર્મચારીઓ પર કથિત રીતે આતંકી હુમલાની યોજના બનાવી હતી.


અમેરિકાએ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું


21 એપ્રિલ, 2011ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સહિત અનેક અદાલતો દ્વારા મીરને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેના પર વિદેશી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવાનો, આતંકવાદીઓને મદદ કરવાનો, યુનાઇટેડ સ્ટેટ્સની બહાર એક નાગરિકની હત્યા કરવાનો અને જાહેર સ્થળો પર બોમ્બ ધડાકા કરવાનો આરોપ હતો. અમેરિકાએ 22 એપ્રિલ 2011ના રોજ મીર વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.


જોકે ચીને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મનસુબા પર પાણી ફેરવ્યું હોય એવી આ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ મસૂદ અઝહર સહિતના અનેક પાકિસ્તાની આતંકીઓને જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં બ્લેક લિસ્ટ કરવાની વાત આવે ત્યારે ડ્રેન આડોડાઈ કરતુ આવ્યું છે. ચીન સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી સભ્ય હોવાથી વારંવાર વીટો પાવર વાપરી ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરતું રહે છે. આમ કરીને તે પોતાના કંગાળ મિત્ર પાકિસ્તાનનો આતંકી ચહેરો દુનિયા સામે ખુલો પાડતા બચાવી લે છે. જાહેર છે કે,પાકિસ્તાનની ધરતી પર ફુલી ફાલી રહેલા આતંકીઓ ધીમે ધીમે દુનિયા આખી માટે માથાનો દુ:ખાવો બનતા જાય છે. પણ ચીન પોતાના લાભ માટે આ ખતરનાક ખેલ ખેલવામાં સહેજ પણ પાછી પાની નથી કરતું.