રવિવારે ચીનના ગીચ વસ્તીવાળા પૂર્વી કિનારા પર શક્તિશાળી ટાયફૂન ડોલ્ફિન ત્રાટક્યું હતું અને પવન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. તોફાનના ભયને કારણે 10 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યા હતા અને 1,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ચીનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ટાયફૂન ડોલ્ફિન રવિવારે સાંજે 5:30 વાગ્યે ઝેજિયાંગ પ્રાંતના યુહુઆન શહેર નજીક દરિયાકાંઠે ત્રાટક્યું હતું. વાવાઝોડાના કેન્દ્રની નજીક પવન લેન્ડફોલ સમયે 150 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ફૂંકાયો હતો.

Continues below advertisement

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે મધ્ય અને પૂર્વી ઝેજિયાંગમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 250 થી 500 મિલીમીટર વરસાદ પડવાની શક્યતા છે. વાવાઝોડાના કારણે ફક્ત વેન્ઝોઉ શહેરમાંથી લગભગ 900,000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. 1,000 થી વધુ ઇમરજન્સી આશ્રયસ્થાનો ખોલવામાં આવ્યા હતા.

Continues below advertisement

વાવાઝોડાને કારણે હવાઈ ટ્રાફિક પર પણ અસર પડી હતી. શાંઘાઈના બે મુખ્ય એરપોર્ટથી આવતી અને જતી લગભગ 1,400 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ઝેજિયાંગના હાંગઝોઉ એરપોર્ટ પર લગભગ 270 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મુસાફરોની સલામતી માટે ઘણા વિસ્તારોમાં ટ્રેન સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી હતી. વાવાઝોડાના ભયને કારણે ઝેજિયાંગ અને ફુજિયાનમાં 200 થી વધુ ફેરી રૂટ બંધ કરવામાં આવ્યા હતા. દરિયામાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પણ અટકાવી દેવામાં આવ્યા હતા. સલામતી માટે સેંકડો બાંધકામ જહાજોને બંદર પર પાછા બોલાવવામાં આવ્યા હતા. ફુજિયાનમાં લગભગ 99,000 લોકોને સંવેદનશીલ વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે રવિવારે સવારે ટાયફૂન ડોલ્ફિન માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ચીનમાં વાવાઝોડા માટે આ સૌથી ગંભીર ચેતવણી સ્તર છે. હવામાન વિભાગે ઝેજિયાંગના ઘણા ભાગોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. શાંઘાઈ, ફુજિયાન, અનહુઈ અને જિઆંગસુમાં પણ સોમવાર બપોર સુધી ભારે વરસાદ પડી શકે છે. 

ચીન પહોંચતા પહેલા ટાયફૂન ડોલ્ફિન જાપાનના ઓકિનાવા શહેરમાં ભારે વરસાદ અને ભારે પવન લઈને આવ્યું હતું. સરકારના જણાવ્યા અનુસાર, ત્યાં સાત લોકો ઘાયલ થયા હતા, જેમાં 100 વર્ષથી વધુ ઉંમરના એક વૃદ્ધ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. રવિવાર બપોર સુધીમાં ઓકિનાવામાં 5,290 ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી.  તાઇવાનમાં ડઝનબંધ ફેરી સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, અને 180 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

ટાયફૂન ડોલ્ફિનની અસરો હોંગકોંગ સુધી અનુભવાઈ હતી.  જેના કારણે તાપમાન 36.9 ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે તોફાન આગળ વધતા મંગળવાર સુધી અત્યંત ગરમ હવામાન ચાલુ રહી શકે છે.

ટાયફૂન ડોલ્ફિન ચીનમાં એવા સમયે ત્રાટક્યું છે જ્યારે લગભગ બે સપ્તાહ અગાઉ ટાયફૂન નૌલે દક્ષિણ ગ્વાંગડોંગ પ્રાંતમાં ભારે તબાહી મચાવી હતી. તોફાન નૌલ તે સમયે ચીનમાં વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ગણવામાં આવ્યું હતું. ચીન પહોંચતા પહેલા આ વાવાઝોડાએ ફિલિપાઇન્સમાં પણ વિનાશ વેર્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘરોને નુકસાન થયું હતું.