Xi Jinping Russia Visit: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતા અઠવાડિયે રશિયાની મુલાકાત લેશે. ચીનના વિદેશ મંત્રાલયે હાલમાં જ તેમની મોસ્કો મુલાકાતની પુષ્ટી કરી હતી. જિનપિંગ મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. શી જિનપિંગની આ મુલાકાત રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે થઈ રહી છે, તેથી દુનિયાની નજર તેમના પર છે.
ચીનના રાષ્ટ્રપતિ 3 દિવસની રશિયાની મુલાકાતે જશે
શુક્રવારે (17 માર્ચ) ચીનના વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 20 માર્ચથી રશિયાની મુલાકાત લેશે. ચીનના રાષ્ટ્રપતિ તરીકે ત્રીજી વખત ચૂંટાયા બાદ જિનપિંગની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. "શી જિનપિંગ 20-22 માર્ચ સુધી રશિયાની મુલાકાત કરશે. તેમની મુલાકાત દરમિયાન રશિયા-ચીન વ્યાપક ભાગીદારી સંબંધો અને વ્યૂહાત્મક સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે," તેવું રશિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
બંને દેશોમાં વધશે નિકટતા, અમેરિકા માટે આંચકો!
ચીનના રાષ્ટ્રપતિની રશિયાની મુલાકાત વૈશ્વિક નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બની છે. ઘણા નિષ્ણાતો કહે છે કે શી જિનપિંગની રશિયાની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે યુએસ અને અન્ય પશ્ચિમી દેશો રશિયા અને ચીન પર નજર રાખે છે. આ બંને દેશો અલગ-અલગ મુદ્દાઓ પર અમેરિકા સાથે વિવાદમાં છે. આ બંને દેશો લોકશાહી નથી અને સામ્યવાદ તેમના પર વર્ચસ્વ ધરાવે છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકા રશિયાની વિરુદ્ધ છે, જ્યારે ચીન સાથે અમેરિકાના સંબંધો પણ સામાન્ય નથી. આવી સ્થિતિમાં રશિયા અને ચીન વચ્ચે વધતી નિકટતાને કારણે અમેરિકાની ચિંતા વધુ વધશે.
શું હવે ચીન યુક્રેન યુદ્ધનો અંત લાવશે?
ચીનના રાષ્ટ્રપતિની રશિયા મુલાકાતને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવાના દૃષ્ટિકોણથી પણ જોવામાં આવી રહી છે. ચીને બે ઈસ્લામિક દેશો સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે વર્ષોની દુશ્મનીનો અંત લાવી સમાધાન કરાવ્યું હતું. હવે 'વોલ સ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી પણ કરી શકે છે. તે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કોલ પર સીધી વાત કરી શકે છે. ચીન 'શાંતિ-સ્થાપના' માટે આ પ્રયાસ કરીને 'ગ્લોબલ લીડર' બનવા માંગે છે.