VHP-બજરંગ દળ ઉગ્રવાદી સંગઠન તો RSS રાષ્ટ્રવાદી સંગઠન, જાણો કોણે જાહેર કરી યાદી
abpasmita.in | 15 Jun 2018 11:51 AM (IST)
ન્યૂયોર્કઃ અમેરિકન જાસૂસી એજન્સી CIAએ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને ધાર્મિક ઉગ્રવાદી સંગઠન તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને રાષ્ટ્રવાદી સંગઠન ગણાવ્યું છે. સીઆઇએ દ્ધારા જાહેર કરવામાં આવેલી વર્લ્ડ ફેક્ટ બુકમાં વિહિપ અને બજરંગ દળને રાજનીતિક દબાવ સમૂહની શ્રેણીમાં સામેલ કરાયા છે. સીઆઇએની ફેક્ટબુકમાં વિહિપ અને બજરંગ દળ સિવાય આરએસએસનો ઉલ્લેખ એક રાષ્ટ્રવાદી સંગઠન તરીકે કરવામાં આવ્યો છે. આ યાદીમાં કાશ્મીરના સંગઠન ઓલ પાર્ટી હુરિયત કોન્ફરન્સને એક અલગાવવાદી જૂથ ગણાવ્યુ છે. આ રીતે જમીયત ઉલેમા-એ-હિન્દને એક ધાર્મિક સંગઠન બતાવ્યું છે. વર્લ્ડ ફેક્ટબુક અમેરિકન જાસૂસી એજન્સી સીઆઇએનું વાર્ષિક પબ્લિકેશન છે. જેમાં દુનિયાના 267 દેશો-ક્ષેત્રોના ઇતિહાસ, લોકો, સરકાર, અર્થવ્યવસ્થા, ઉર્જા, ભૂગોળ, સંચાર, યાતાયાત, સૈન્ય અને અનેક અન્ય મુદ્દાઓની જાણકારી આપવામાં આવે છે. સીઆઇએની જાહેરાત બાદ બજરંગ દળ અને વિહિપ નાખુશ છે અને આ ટેગને હટાવવા માટે કાયદાકીય રસ્તાઓ પર વિચાર કરી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક મનોજ વર્માએ કહ્યું કે, થોડા દિવસ અગાઉ જ અમારી ધ્યાનમાં આ વાત આવી હતી. અમે નિષ્ણાંતો સાથે વાત કરી રહ્યા છીએ અને તેનો સામનો કરવા માટે કાયદાકીય સલાહ લઇશું.