22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો અને 100થી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ભારતની કાર્યવાહી પછી ભારતીય પ્રતિનિધિમંડળો પાકિસ્તાનને ખુલ્લા પાડવા અને ઓપરેશન સિંદૂર વિશે જણાવવા માટે વિવિધ દેશોમાં પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન શશિ થરૂરના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચ્યું, જ્યાં તેમને 'ઓપરેશન સિંદૂર' નામ આપવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો.
શશિ થરૂરે જવાબ આપ્યો
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે અમેરિકામાં કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર એક શાનદાર રીતે પસંદ કરાયેલ નામ છે. અમેરિકામાં નેશનલ પ્રેસ ક્લબમાં એક સંવાદ સત્ર દરમિયાન થરૂરે કહ્યું કે સિંદૂરનો રંગ લોહીના રંગથી બહુ અલગ નથી.
પોતાના વિચારો રજૂ કરતી વખતે શશિ થરૂરે હિન્દી શબ્દસમૂહ 'ખૂન કા બદલા ખૂન'નો ઉપયોગ કર્યો અને કહ્યું કે તે 'સિંદૂર કા બદલા ખૂન' છે. તેનો અર્થ આતંકવાદીઓ દ્વારા સિંદૂર સાથે કરવામાં આવતા વ્યવહારના જવાબમાં લોહી છે.
ઓપરેશનનું નામ 'ઓપરેશન સિંદૂર' કેમ રાખવામાં આવ્યું?
સંવાદ સત્ર દરમિયાન થરૂરને ઓપરેશન સિંદૂર નામ વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર એક અદભૂત રીતે પસંદ કરાયેલ નામ છે. તેમણે અમેરિકાના લોકોને સમજાવતા કહ્યુ કે, "જો કેટલાક અમેરિકનો તેના વિશે જાણતા નથી, તો તે (સિંદૂર) એક પ્રતિક છે, જે હિન્દુ પરંપરામાં પરિણીત મહિલાઓના માથા પર લગાવવામાં આવે છે."
તેમણે કહ્યું હતું કે, "લગ્ન સમારંભ દરમિયાન સિંદૂર લગાવવામાં આવે છે અને ત્યારબાદ દરરોજ પરિણીત મહિલાઓ તેને લગાવે છે. આતંકવાદીઓએ પહલગામમાં પરિણીત મહિલાઓના પતિઓની હત્યા કરી તેમનું સિંદૂર મિટાવ્યું હતું તેથી તે 'ઓપરેશન સિંદૂર કા બદલા ખૂન' જેવું છે."
'ઓપરેશન સિંદૂર' શું છે?
નોંધનીય છે કે 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પર્યટન વિસ્તાર પહલગામમાં 26 લોકોની હત્યા કરી હતી. જેમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકનો સમાવેશ થતો હતો. આ પછી સમગ્ર દેશમાં ભારે ગુસ્સો હતો અને લોકો આ ભયાનક હત્યાકાંડનો બદલો લેવા માટે સરકારને સતત અપીલ કરી રહ્યા હતા.
પહલગામ હુમલાના જવાબમાં ભારતે 7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો અને 100થી વધુ આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા હતા.