ઇસ્લામાબાદઃ કોરોના વાયરસના કારણે પાડોશી દેશ પાકિસ્તાન પણ ખૂબ મુશ્કેલીમાં છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 750થી વધુ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આ વચ્ચે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને દેશને સંબોધિત કરતા કહ્યુ કે, તે પાકિસ્તાનને પુરી રીતે લોકડાઉન કરવાની જાહેરાત કરી શકતા નથી કારણ કે અહી 20 ટકાથી વધુ લોકો ગરીબી રેખા નીચે છે અને તેમને ખૂબ મુશ્કેલીઓ પડી શકે છે. જોકે ઇમરાને અપીલ કરી હતી કે લોકો જાતે જ ઘર પર રહેવાનો પ્રયાસ કરે.
એક તરફ ઇમરાન ખાને દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવાનો ઇનકાર કરી રહ્યા છે તો બીજી તરફ સિંધ પ્રાન્તે રાજ્યસ્ત પર 15 દિવસનું લોકડાઉન કર્યું છે. પાકિસ્તાનમાં સિંધ પ્રાન્તમાં જ કોરોના વાયરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં ફક્ત સિઁધમાં જ 352 કેસ સામે આવ્યા છે જ્યારે આખા દેશમાં સંખ્યા 799 છે.
પાકિસ્તાનના લોકોને સંબોધિત કરતા ઇમરાન ખાને કહ્યું કે લોકડાઉન જાહેર કરી રહ્યા નથી પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યુ છે. તે સિવાય લોકો પોતાના ઘરમાં જ રહે. જો કોઇ વ્યક્તિ રસ્તા પર દેખાય તો પોલીસ તેમને સવાલો કરી શકે છે. આઇડી કાર્ડ માંગી શકે છે. જો કોઇ વ્યક્તિને હોસ્પિટલ જવાનું છે તો એક કારમાં ત્રણ લોકોથી વધારે બેસી શકશે નહીં.