લંડનઃ પાલતુ બિલાડીનો કોરોના પોઝિટિવ હોવાનો પ્રથમ મામલો સામે આવ્યો છે. બિલાડીમાં કોરોના વાયરસની પુષ્ટિ બાદ વોર્નિંગ આપવામાં આવી છે. જેમાં લોકોને તેમના પાલતુ પ્રાણીઓને કિસ કરવા કે તેમની સાથે ભોજન શેર કરવાની ના પાડવામાં આવી છે.

ધ હિન્દુના અહેવાલ પ્રમાણે, દક્ષિણ લંડનની બિલાડીને મે મહિનામાં કોરોના વાયરસનું સંક્રમણ તેના માલિકથી થયું હતું. શરૂઆતમાં ખાનગી પશુ ચિકિત્સકો તરફથી બિલાડીમાં ફેલાઈન હરપસ વાયરસની પુષ્ટિ કરવામાં આવી હતી. શંકાની આધારે સેમ્પલ તપાસ માટે જૂન મહિનામાં મોકલવામાં આવ્યાછે. જેમાં કોરોના પોઝિટિવ હોવાની ખબર પડી હતી. છ વર્ષની બિલાડીમાં સાધારણ લક્ષણ હતા. તેને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જે બાદ લેબમાં સેમ્પલ ટેસ્ટ કરાવતાં કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. સારવાર બાદ બિલાડીએ કોરોના વાયરસને મ્હાત આપી હતી.

ગ્લાસલો યુનિવર્સિટીના વાયરોલોજી પ્રોફેસર માગ્રેટ હુસઈએ માલિકોને સ્વચ્છતા પ્રત્યે ધ્યાન આપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું, જો તમને છીંક, ખાંસી આવવાના સંકેત મળી રહ્યા હોય તો ડિસ્પોઝેબલ ટિશ્યૂનો ઉપયોગ કરો અને પોતાના પાલતુ જાનવરને સ્પર્શતા પહેલા હાથને સારી રીતે ધોઈ લો. તેમને હાથમાં ન લો કે ખોળામાં પણ ન બેસાડો, ઉપરાંત તેમની સાથે જમવાની પણ બચો.

ચીફ વેટરનિટી ઓફિસર ક્રિસ્ટાઈન મિડલમ્સે આ ઘટનાને અનોખી ગણાવીને કહ્યું કે, હજુ સુધી પાલતું જાનવરથી કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસના ટ્રાન્સમિશનના કોઈ પુરાવા મળ્યા નથી. અમે આ પરિસ્થિતિની નજીકથી દેખરેખ રાખીશું. પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થશે તો પાલતુ પ્રાણીના માલિકોને માર્ગદર્શન આપીશું.