Cyclone Ditwah: શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહ (Cyclone Ditwah) તબાહી મચાવી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે, જ્યારે 23 હજુ પણ ગુમ છે. શ્રીલંકાના દરિયાકાંઠે ઉદ્ભવેલું આ ચક્રવાત ધીમે ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળ માટે ચેતવણી જારી કરી છે. બચાવ ટીમો હાલમાં રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે.
શ્રીલંકામાં દિત્વાહ મચાવી તબાહી દિત્વાહ ચક્રવાતને કારણે છેલ્લા 24 કલાકમાં 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આગામી 12 કલાકમાં વાવાઝોડું વધુ તીવ્ર બની શકે છે. ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન થયાના અહેવાલ છે. શ્રીલંકાના પૂર્વ અને મધ્ય ભાગો સૌથી વધુ પ્રભાવિત થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર (DMC) એ અહેવાલ આપ્યો છે કે 43,991 લોકોને શાળાઓ અને જાહેર આશ્રયસ્થાનો સહિત સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે શાળાઓ બંધ કરવામાં આવી છે, ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે અને કોલંબો સ્ટોક એક્સચેન્જમાં વેપાર સ્થગિત કરવામાં આવ્યો છે.
ફ્લાઇટ ડાયવર્ઝનડીએમસી ઇમરજન્સી ઓપરેશન્સ ડિરેક્ટર બ્રિગેડિયર એસ. ધર્મવિક્રમાએ જણાવ્યું હતું કે ઘણા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હોવાથી ઘણા ગામડાઓ સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ બની રહ્યું છે.
બંદરો અને નાગરિક ઉડ્ડયન મંત્રી અનુરા કરુણાથિલેકે જણાવ્યું હતું કે જો પરિસ્થિતિ વધુ વણસે છે, તો શ્રીલંકા તેના મુખ્ય એરપોર્ટથી ફ્લાઇટ્સને ભારતના ત્રિવેન્દ્રમ અથવા કોચીન એરપોર્ટ તરફ વાળશે. સ્થાનિક મીડિયા અનુસાર, મસ્કત, દુબઈ, નવી દિલ્હી અને બેંગકોક સહિત છ ફ્લાઇટ્સને કોલંબો એરપોર્ટથી ડાયવર્ટ કરવામાં આવી છે.
ભારત માટે એલર્ટ જાહેરબંગાળની ખાડીમાં સર્જાયેલું આ ખતરનાક વાવાઝોડું હવે શ્રીલંકાથી ભારતીય દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ચક્રવાત પહેલા ચેતવણી જાહેર કરી છે. ચક્રવાતનો સંભવિત માર્ગ ઉત્તરી તમિલનાડુ, પુડુચેરી, દક્ષિણ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળના દરિયાકાંઠાની નજીકથી પસાર થઈ શકે છે. 30 નવેમ્બર સુધી આ વિસ્તારોમાં હવામાન બગડવાની ધારણા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.