અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારપૂર્વક કહ્યું કે તેમની પાસે એટલા પરમાણુ હથિયાર છે, જેનાથી દુનિયાને ઘણી વખત તબાહ કરી શકે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની મુલાકાતને જબરદસ્ત ગણાવતા ટ્રમ્પે કહ્યું કે તેમનું અંતિમ લક્ષ્ય પરમાણુ મુક્ત વિશ્વ બનાવવાનું છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે કહ્યું, "મને લાગે છે કે ડીન્યૂક્લિયરાઈઝેશન એક અદ્ભુત બાબત હશે.અમે આ ધરતીને 150 વખત ઉડાવી શકીએ છીએ, પરંતુ તેની કોઈ જરૂર નથી."
"અમેરિકા પાસે સૌથી વધુ પરમાણુ હથિયાર"
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના અનુસાર, અમેરિકા પાસે સૌથી વધુ પરમાણુ હથિયારો છે, ત્યારબાદ રશિયા અને ચીનનો નંબર આવે છે. તેમણે કહ્યું, "શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન જેવા નેતાઓ હવે પૈસાનો ઉપયોગ અન્ય કામમાં લગાવશે. મારી તેમની સાથે વાત થઈ છે. હવે તેઓ એવા કાર્યો કરશે જેનાથી લોકોનો ફાયદો થાય." ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમણે એક દિવસ પહેલા જ અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે પરમાણુ નિયંત્રણને લઈ ત્રિપક્ષીય સહયોગની સંભાવનાઓ વ્યક્ત કરી હતી.
અમે નંબર વન ન્યૂક્લિયર પાવર : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "અમે અમારા પરમાણુ શસ્ત્રોને ફરીથી તૈયાર કર્યા છે." અમે નંબર વન પરમાણુ શક્તિ છીએ, જે કહેવામાં ભયાનક લાગે છે કારણ કે તે ખૂબ જભયાનક છે. રશિયા બીજા ક્રમે છે, અને ચીન ત્રીજા ક્રમે છે, પરંતુ તેઓ આગામી ચાર કે પાંચ વર્ષમાં આપણી બરાબર પહોંચી શકે છે. હું આખી દુનિયામાં શાંતિ ઇચ્છું છું.
અમેરિકી રાષ્ટ્રપતિએ ગત સપ્તાહે કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરશે. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમણે પેન્ટાગોનને શસ્ત્ર પરીક્ષણ ફરી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું, "અન્ય દેશો આવું કરે છે. જો તેઓ આવું કરશે, તો અમે પણ કરીશું."
ડૉનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું પણ નામ લીધું
ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "મને લાગે છે કે તે (રશિયા- ચીન) બધા પરમાણુ પરીક્ષણો કરી રહ્યા છે. અમારી પાસે અન્ય કોઈપણ દેશ કરતાં વધુ પરમાણુ હથિયારો છે. અમે પરીક્ષણ કરતા નથી, પરંતુ, અમે ઘણા વર્ષો પહેલા તેને બંધ કરી દીધું હતું, પરંતુ અન્ય કેટલાક પરીક્ષણ કરી રહ્યા છે, મને લાગે છે કે આપણે પણ કરવું જોઈએ." ટ્રમ્પે ઉત્તર કોરિયા અને પાકિસ્તાનનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો પણ કરી રહ્યા છે.