મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયંકર યુદ્ધે હવે આખી દુનિયાની ચિંતા વધારી દીધી છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે 15 દિવસ પૂરા થયા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપીને ત્રીજા વિશ્વયુદ્ધની અટકળો તેજ કરી દીધી છે. ટ્રમ્પે ચીન, રશિયા, ફ્રાન્સ, જાપાન અને બ્રિટન સહિત દુનિયાભરના દેશોને અપીલ કરી છે કે તેઓ વેપાર માટે અત્યંત મહત્વના એવા દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' ને સુરક્ષિત કરવા પોતાના યુદ્ધજહાજો મોકલે. ટ્રમ્પે સીધી ચેતવણી આપી છે કે અમેરિકા ઈરાનના દરિયાકાંઠા પર ભારે બોમ્બમારો કરશે અને કોઈપણ ભોગે આ મહત્વનો ઓઇલ રૂટ ફરીથી શરૂ કરાવશે.

ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પની દુનિયાને અપીલ

પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર એક લાંબી પોસ્ટ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે, "જે દેશો ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના પ્રયાસોથી પ્રભાવિત થયા છે, તેમણે અમેરિકા સાથે મળીને આ દરિયાઈ માર્ગને ખુલ્લો અને સુરક્ષિત રાખવા માટે પોતાના યુદ્ધજહાજો મોકલવા જોઈએ."

તેમણે ખાસ કરીને ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટન (UK) નું નામ લઈને કહ્યું કે આ દેશોએ તાત્કાલિક આ વિસ્તારમાં પોતાના જહાજો મોકલવા જોઈએ જેથી આંતરરાષ્ટ્રીય વેપારને થઈ રહેલું નુકસાન અટકાવી શકાય. ટ્રમ્પે અગાઉ પણ કહ્યું હતું કે અમેરિકન નેવી બહુ જલ્દી આ રસ્તા પરથી પસાર થતા ઓઇલ ટેન્કરોને સુરક્ષા પૂરી પાડવાનું શરૂ કરશે.

"ઈરાનની સૈન્ય તાકાત 100% ખતમ થઈ ગઈ છે"

પોતાની પોસ્ટમાં ટ્રમ્પે એક બહુ મોટો દાવો કરતા કહ્યું કે અમેરિકાએ ઈરાનની સૈન્ય ક્ષમતાઓને 100% નષ્ટ કરી દીધી છે. જોકે, તેમણે એ વાસ્તવિકતા પણ સ્વીકારી કે ભલે ઈરાન ગમે તેટલું ખરાબ રીતે હારી ગયું હોય, પરંતુ આ સાંકડા દરિયાઈ જળમાર્ગમાં સંતાઈને એકાદ-બે ડ્રોન હુમલા કરવા, દરિયામાં માઈન્સ (દારૂગોળો) બિછાવવી કે નજીકથી શોર્ટ-રેન્જ મિસાઈલ છોડવી તેમના માટે એકદમ સરળ છે. આ જ કારણ છે કે ટ્રમ્પ હવે અન્ય દેશો પાસે સંયુક્ત સુરક્ષાની માંગ કરી રહ્યા છે, જેથી નાશ પામેલું ઈરાન હવે દુનિયા માટે ખતરો ન બની શકે.

ટ્રમ્પની આકરી ચેતવણી: "બોમ્બમારો ચાલુ રહેશે"

ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા પ્રતિજ્ઞા લીધી છે કે અમેરિકા કોઈપણ ભોગે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દેશે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા કહ્યું કે, "જ્યાં સુધી આ રસ્તો સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી અમેરિકા ઈરાનના દરિયાકાંઠાના વિસ્તારો પર બોમ્બમારો કરવાનું ચાલુ રાખશે અને ઈરાનની બોટ કે જહાજોને ડૂબાડતું રહેશે. ગમે તે થાય, અમે બહુ જલ્દી હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો, સલામત અને મુક્ત કરી દઈશું!"