મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન મુદ્દે બહુ મોટો અને આક્રમક દાવો કર્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપતા કહ્યું છે કે હાલની સૈન્ય કાર્યવાહી બાદ ઈરાન પાસે હવે એવું કંઈ જ નથી બચ્યું જેનાથી તે અમેરિકાને નિશાન બનાવી શકે. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે આ યુદ્ધ હવે તેમની મરજી મુજબ જ સમાપ્ત થશે. આ તરફ, અમેરિકા-ઈઝરાયલના સતત હુમલાઓથી ત્રસ્ત ઈરાનના વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે ફોન પર વાતચીત કરીને હોસ્પિટલો અને શાળાઓ પર થતા હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
હવે ઈરાન પર હુમલો એ બહુ નાની વાત: ટ્રમ્પ
અમેરિકા અને ઈઝરાયલ સાથેના સંઘર્ષમાં ઈરાનની સ્થિતિ ખરાબ હોવાનો દાવો કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે વર્તમાન સૈન્ય કાર્યવાહી બાદ ઈરાનની કમર તૂટી ગઈ છે. બુધવારે (11 માર્ચ, 2026) 'એક્સિઓસ' (Axios) ને આપેલી એક મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, "હવે ઈરાન સામેનું યુદ્ધ બહુ નાની વાત બની ગઈ છે. આ યુદ્ધ ક્યારે પૂરું કરવું તે હવે મારા હાથમાં છે."
જોકે, ભલે ટ્રમ્પ એમ કહી રહ્યા હોય કે તેમણે મોટાભાગના લક્ષ્યો પાર પાડી લીધા છે, પરંતુ અમેરિકા અને ઈઝરાયલના ઉચ્ચ અધિકારીઓનું માનીએ તો આગામી ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી ઈરાન પર હુમલા ચાલુ રાખવાની પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે.
"આ તો 47 વર્ષનો બદલો છે, તેઓ આસાનીથી નહીં બચી શકે"
ઈરાન પર આકરા પ્રહારો કરતા ટ્રમ્પે કહ્યું કે, "તેઓ આખા મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) પર કબજો જમાવવા માંગતા હતા. આજે તેઓ છેલ્લા 47 વર્ષોમાં ફેલાવેલા મોત અને વિનાશનું પરિણામ ભોગવી રહ્યા છે. આ સીધો બદલો છે અને તેઓ આટલી આસાનીથી છટકી નહીં શકે."
બીજી બાજુ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા આ યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવોમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી થતા ક્રૂડના પરિવહનમાં પડતી અડચણો માટે ઈરાને સીધો અમેરિકા પર આરોપ લગાવ્યો છે.
ઈરાને યુએન (UN) સમક્ષ વ્યક્ત કરી ચિંતા
આ સતત થઈ રહેલા હુમલાઓ અને ખાનાખરાબી વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ યુએનના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે અમેરિકા અને ઈઝરાયલ પર યુદ્ધ ગુનાઓ (War Crimes) નો આરોપ લગાવતા કહ્યું કે આ હુમલાઓમાં શાળાઓ, હોસ્પિટલો, રહેણાંક વિસ્તારો તેમજ ઐતિહાસિક ઈમારતોને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહી છે.
આ અંગે યુએનના મહાસચિવ ગુટેરેસે પણ આ સંઘર્ષને વધુ ફેલાતો અટકાવવા અને તેનાથી ઉભા થતા માનવીય સંકટને ઘટાડવા પર ભાર મૂક્યો હતો. યુએનના રિપોર્ટમાં પણ આ ટેલિફોનિક વાતચીતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં બંને નેતાઓએ પ્રદેશમાં વધી રહેલા લશ્કરી જમાવડા અને સુરક્ષા પરિણામો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
