Donald Trump Hormuz Strait claim: આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વૈશ્વિક વ્યૂહાત્મક મોરચે એક એવો મોટો વળાંક આવ્યો છે જે સમગ્ર દુનિયાની સૈન્ય ગતિશીલતાને બદલી શકે છે. બ્લૂમબર્ગના એક સનસનાટીપૂર્ણ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા ટૂંક સમયમાં જ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' (સામુદ્રધુની) પર સંપૂર્ણ સૈન્ય નિયંત્રણ મેળવવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદને સીધું ઈરાનને નિશાન બનાવ્યું છે, જેમાં તેમણે બહુ જ આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે આ વ્યૂહાત્મક માર્ગ પર અમેરિકા પોતાની પકડ એટલી મજબૂત કરશે કે ઈરાન પાસે હવે કંઈ જ બચશે નહીં અને તેને કમબેક કરવાની કોઈ તક આપવામાં આવશે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આકરા પ્રહારો કરતા સાફ શબ્દોમાં જણાવ્યું છે કે, "ઈરાનને મારી પાસેથી કંઈ મળ્યું નથી અને હવે તેમની પાસે કોઈ મોટો વિકલ્પ બચ્યો નથી." તેમણે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવતા ઉમેર્યું કે, ઈરાનને પોતાની તાકાત ફરીથી ઊભી કરવાની કોઈપણ તક અમેરિકા આપવા માંગતું નથી. આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારો દાવો કરતા ટ્રમ્પે જાહેર કર્યું છે કે, "અમે ખૂબ જ ટૂંક સમયમાં હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે નિયંત્રિત કરીશું અને અમે જ હોર્મુઝના અસલી રક્ષક બનીશું."
આ સૈન્ય નિયંત્રણની સાથે જ એક અત્યંત રસપ્રદ અને નવો બિઝનેસ મોડલ જેવો મુદ્દો પણ સામે આવ્યો છે. ટ્રમ્પના દાવા મુજબ, અમેરિકા આ દરિયાઈ માર્ગ પર માત્ર લશ્કરી પકડ જ નહીં જમાવે, પરંતુ હોર્મુઝની સામુદ્રધુનીને સુરક્ષા આપવાના બદલામાં ત્યાંથી પસાર થતા દેશો અને જહાજો પાસેથી યોગ્ય આર્થિક ચૂકવણી એટલે કે પ્રોટેક્શન મની પણ વસૂલશે. આનો સીધો અર્થ એ થાય છે કે વૈશ્વિક વેપારના આ રૂટની સુરક્ષાની જવાબદારી સંભાળવા બદલ અમેરિકા મોટા પાયે આર્થિક લાભો અને ભંડોળ મેળવશે.
આ પણ વાંચોઃ મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વના તેલ વેપારનો એક ખૂબ જ મોટો અને મહત્વનો હિસ્સો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી જ પસાર થાય છે. આવી નાજુક સ્થિતિમાં, બ્લૂમબર્ગનો આ અહેવાલ કે અમેરિકા ટૂંક સમયમાં જ આ વિસ્તારને પોતાના કબજામાં લેશે, તે આગામી દિવસોમાં મિડલ ઈસ્ટમાં આંતરરાષ્ટ્રીય તણાવ અને યુદ્ધની સ્થિતિને ઓર ભડકાવી શકે છે. સુરક્ષાના બદલામાં પૈસા લેવાનો અમેરિકાનો આ નવો દાવ વૈશ્વિક અર્થતંત્ર અને પાવર ગેમને સંપૂર્ણપણે પલટી નાખશે તેમાં કોઈ શંકા નથી.
