અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક વાર ફરી ચૂંટણી લડવા જઈ રહ્યા છે.  ટ્રમ્પે 2024માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાની ઉમેદવારી પણ જાહેર કરી દીધી છે. ટ્રમ્પે પણ તાજેતરમાં જ આ વાતનો સંકેત આપ્યો હતો. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતરશે અને ટૂંક સમયમાં જ જનતા સમક્ષ તેમના ઈરાદા સ્પષ્ટ કરશે. 


ત્રીજી વાર રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે


ગત ચૂંટણીમાં જો બિડેન સામે ટ્રમ્પને હાર મળી હતી. તેઓ 2024માં ત્રીજી વાર રાષ્ટ્રપતિ પદ માટે મેદાનમાં ઉતરશે. પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાની ઉમેદવારીનું એલાન કરતા કહ્યું કે આ વખતનો તેમનો ચૂંટણી પ્રચાર અગાઉના બે વખત કરતા સાવ અલગ હશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ આજે રાત્રે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી રહ્યા છે. તેણે કહ્યું કે તે આખી દુનિયામાં અમેરિકાની શક્તિ અને ચમક પાછી લાવવા માંગે છે.


મધ્યસત્ર ચૂંટણીમાં હાર્યા બાદ કરી જાહેરાત


ટ્રમ્પ દ્વારા એવા સમયે આ જાહેરાત કરવામાં આવી જ્યારે મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની ખરાબ રીતે હાર થઈ હતી. જેને લીધે કેટલાક લોકોએ આ હાર માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા હતા. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 2024 માં ટ્રમ્પ ફરી એકવાર બિડેન સાથે સ્પર્ધા કરી શકે છે. 2020ની યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને બિડેનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટ્રમ્પે પોતાની હાર સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. 


બિડેન સરકાર પર સાધ્યું નિશાન


ટ્રમ્પે પોતાની દાવેદારીનું એલાન કરતા બિડેન સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે બિડેન સરકારે અમેરિકાની છબીને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે હું પ્રયત્ન કરીશ કે બિડેન સરકારને હવે આગલા ચાર વર્ષ ના મળે. તેમણે વધુમાં કહ્યું કે બિડેન સરકારે લાખો અમેરિકનોને દુખી કર્યા છે. દુનિયાભરમાં અમેરિકાની જે ઓળખ હતી તેને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.