Trump Iran Attack Threat: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ કરારની અટકળો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સનસનાટીભર્યું નિવેદન આપીને ઈરાનને ખુલ્લી સૈન્ય ધમકી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે કોઈ શાંતિ કરાર નહીં થાય, તો અમેરિકા આગામી બુધવારે ઈરાન પર બહુ મોટો લશ્કરી હુમલો કરશે. આ ગંભીર તણાવ વચ્ચે ટ્રમ્પે એક મોટો ખુલાસો પણ કર્યો છે કે અમેરિકા ગુપ્ત રીતે રોજ લાખો બેરલ ઓઈલ (તેલ) બહાર કાઢી રહ્યું છે, જેના કારણે જ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત $250 ને બદલે $85-90 પ્રતિ બેરલ પર સ્થિર છે. બીજી તરફ, ઈરાને પણ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) આસપાસના પોતાના સૈન્ય મથકો પર થયેલા અમેરિકી હુમલાના બદલામાં જોર્ડન, કુવૈત અને બહેરીનમાં આવેલા યુએસ સૈન્ય બેઝ પર રાતોરાત વળતો હુમલો કરીને વોશિંગ્ટન સાથેની રાજદ્વારી વાટાઘાટો પર ફરીથી વિચાર કરવાનો સંકેત આપ્યો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ આકરા તેવર પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે અમેરિકી સેના ગમે ત્યારે ઈરાન પર હુમલા ફરી શરૂ કરી શકે છે. ટ્રમ્પે ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે કરારની વાટાઘાટો કરવામાં બહુ વધારે સમય બગાડી રહ્યું છે અને હવે તેહરાને (ઈરાનની રાજધાની) આ ઢીલાશની મોટી કિંમત ચૂકવવી પડશે. તેમણે સોશિયલ મીડિયા પર પણ ભડાકો કર્યો હતો કે ઈરાન માત્ર મોટી-મોટી વાતો કરે છે, પણ જમીન પર કોઈ એક્શન લેતું નથી. અમેરિકાએ એક એવો કરાર તૈયાર કર્યો હતો જે ઈરાનના પોતાના ફાયદા માટે ખૂબ જ સારો સાબિત થઈ શકતો હતો, પરંતુ ઈરાને સમયસર નિર્ણય ન લીધો. ટ્રમ્પે ચેતવણી આપતા ઉમેર્યું, "અમે તેમના પર સતત નજર રાખી રહ્યા છીએ અને હવે તેમના પર ખૂબ જ જોરદાર અને ઘાતકી હુમલો કરવા જઈ રહ્યા છીએ."
ઈરાનનો અમેરિકી સૈન્ય મથકો પર વળતો પ્રહાર
આ તરફ, બંને દેશો વચ્ચે વધી રહેલા ભૂ-રાજકીય તણાવ વચ્ચે ઈરાને પણ અમેરિકા પ્રત્યે પોતાનું વલણ કડક કર્યું છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે જોર્ડન, કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર રાતોરાત મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કર્યા છે. ઈરાનના મતે, આ જવાબી કાર્યવાહી સંઘર્ષના મુખ્ય ક્ષેત્ર ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' આસપાસના તેના પોતાના બેઝ પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાનો સીધો બદલો છે. આ વળતા પ્રહાર બાદ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે અમેરિકા સાથે આગળ કોઈ રાજદ્વારી વાતચીત કરશે કે નહીં તે અંગે હવે ગંભીરતાથી પુનર્વિચાર કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ ઈરાને US હેલિકોપ્ટર તોડી પાડતા ટ્રમ્પ ભડક્યા: કહ્યું- 'અમે આનો જડબાતોડ જવાબ આપીશું'
ટ્રમ્પે તેલના ગુપ્ત ઉત્પાદન પરથી ઉઠાવ્યો પડદો
આ લશ્કરી તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેલના વૈશ્વિક માર્કેટને લઈને પણ એક મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું, "હું આજે આખી દુનિયા સામે પહેલીવાર આ વાત જાહેર કરી રહ્યો છું કે અમે દરરોજ રાત્રે ગુપ્ત રીતે લાખો બેરલ તેલ બહાર કાઢી રહ્યા છીએ. અત્યાર સુધી આ વાત ગુપ્ત રાખવી મારા માટે ખૂબ મુશ્કેલ હતી, પણ હવે ઈરાન આ વિશે જાણી ગયું હોવાથી હું તમને આ વાત જણાવી રહ્યો છું." ટ્રમ્પે આગળ સમજાવ્યું કે અમેરિકાના આ ભારે તેલ ઉત્પાદનને કારણે જ વૈશ્વિક સ્તરે મોંઘવારી કાબૂમાં છે. જો અમેરિકાએ આ ન કર્યું હોત, તો ક્રૂડ ઓઈલનો ભાવ $250 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હોત, જે અત્યારે આ ગુપ્ત ઓપરેશનના કારણે માત્ર $85-90 પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
