અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે ભારે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (5 એપ્રિલ, 2026) ઈરાનને ફરી એકવાર આકરી ધમકી આપી છે. દુનિયાનું 20% તેલ જે જળમાર્ગમાંથી પસાર થાય છે તે 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા માટે ટ્રમ્પે ઈરાનને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે હવે પૂરું થવાના આરે છે. ટ્રમ્પે ખુલ્લી ચેતવણી આપી છે કે જો સોમવાર (6 એપ્રિલ, 2026) સુધીમાં બંને દેશો વચ્ચે કોઈ કરાર નહીં થાય, તો 7 એપ્રિલથી અમેરિકા ઈરાનમાં ભારે વિનાશ મચાવશે અને તેમના પાવર પ્લાન્ટ્સ પર સીધો હુમલો કરશે.
"પાવર પ્લાન્ટ ડે" અને "બ્રિજ ડે" ની ખતરનાક ધમકી
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જાણીતી શૈલીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ કરી છે. તેમાં તેમણે લખ્યું છે કે મંગળવાર (7 એપ્રિલ, 2026) ઈરાનમાં 'પાવર પ્લાન્ટ ડે' અને 'બ્રિજ ડે' તરીકે ઉજવાશે. આનો સીધો અર્થ એ છે કે અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ અને પુલો પર બોમ્બમારો કરવાની તૈયારી કરી રહ્યું છે. વાટાઘાટોમાં સામેલ ઈરાની અધિકારીઓને મર્યાદિત છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રમ્પે એક મોટો દાવો પણ કર્યો છે કે અમેરિકાએ અગાઉ કુર્દિશ બળવાખોરો મારફતે ઈરાન વિરોધીઓને હથિયારો પહોંચાડ્યા હતા, અને આ હથિયારો હજુ પણ તે જૂથો પાસે હોઈ શકે છે.
"જો ડીલ નહીં થાય, તો બધું ઉડાવી દઈશું"
'ફોક્સ ન્યૂઝ' સાથેની એક ખાસ મુલાકાત દરમિયાન ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે 6 એપ્રિલે બંને દેશો વચ્ચે કોઈ ડીલ ફાઈનલ થઈ શકે તેવી સારી શક્યતા છે. અત્યારે વાટાઘાટો ચાલી રહી છે. પરંતુ, સાથે જ તેમણે ગર્ભિત ધમકી આપતા કહ્યું કે, "જો તેઓ જલ્દી કોઈ કરાર પર નહીં પહોંચે, તો અમે બધું જ ઉડાવી દેવાનું અને તેમનું તેલ જપ્ત કરી લેવાનું વિચારી રહ્યા છીએ."
અમેરિકન પાયલટનું જીવસટોસટનું રેસ્ક્યુ ઓપરેશન
આ જ મુલાકાતમાં ટ્રમ્પે ઈરાનમાંથી બચાવી લેવાયેલા એક અમેરિકન એરફોર્સ અધિકારી (કર્નલ) વિશે પણ મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યારે મોટી સંખ્યામાં ઈરાનની સેના આ કર્નલને શોધી રહી હતી અને તેમની ખૂબ નજીક પહોંચી ગઈ હતી, ત્યારે અમેરિકન બચાવ ટીમે એક અત્યંત જોખમી ઓપરેશન પાર પાડીને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ખતરનાક રેસ્ક્યુ ઓપરેશનમાં બચાવ ટીમે ઈરાનના વિસ્તારમાં 7 કલાક પસાર કર્યા હતા. ટ્રમ્પે જણાવ્યું કે, પહેલા મિશન પછી બીજું મિશન હાથ ધરાયું હતું અને ધોળા દિવસે પાયલટને બચાવી લેવાયો હતો. આવા ઓપરેશન ખૂબ જ ભાગ્યે જ જોવા મળે છે.
ઓવલ ઓફિસમાં થશે મોટી પ્રેસ કોન્ફરન્સ
આ સમગ્ર મામલે અને રેસ્ક્યુ ઓપરેશનની સફળતાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે (6 એપ્રિલ, 2026) ઓવલ ઓફિસમાં સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે. બીજી તરફ, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ટ્રમ્પના આ કડક વલણ અને તેમની હિંમતના ખુલ્લા મને વખાણ કર્યા છે.
