Iran-Israel Ceasefire: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન અને ઈઝરાયલ બંનેએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે બંને દેશોને યુદ્ધવિરામનો ભંગ ન કરવાની અપીલ કરી હતી. ઈઝરાયલને ચેતવણી આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "ઈરાન પર બોમ્બ ન ફેંકો. આમ કરવું યુદ્ધવિરામનું મોટું ઉલ્લંઘન હશે. તાત્કાલિક તમારા પાઈલટોને પાછા બોલાવો."
ટ્રમ્પ ઈઝરાયલ-ઈરાનથી ખુશ નથી
ટ્રમ્પે કહ્યું, "ઈરાનની પરમાણુ ક્ષમતાઓ સમાપ્ત થઈ ગઈ છે. તેહરાન ક્યારેય તેનો પરમાણુ કાર્યક્રમ ફરીથી બનાવશે નહીં." ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈઝરાયલ અને ઈરાન બંનેથી ખુશ નથી. ડોનાલ્ડ ટ્રમ્પે નાટો સમિટ માટે નેધરલેન્ડ જતા પહેલા આ વાત કહી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિએ થોડા સમય પહેલા કહ્યું હતું કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ હવે અમલમાં આવી ગયું છે. તેમણે બંને દેશોને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ન કરવાની અપીલ કરી હતી.
ડૉનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ વિશે શું કહ્યું ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "ઇઝરાયલ અને ઈરાન લગભગ એક જ સમયે મારી પાસે આવ્યા અને શાંતિની વાત કરી. મને ખબર હતી કે સમય આવી ગયો છે. દુનિયા અને મધ્ય પૂર્વ સાચા વિજેતા છે. બંને રાષ્ટ્રો તેમના ભવિષ્યમાં જબરદસ્ત પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિ જોશે. તેમને ઘણું મેળવવાનું છે, અને છતાં જો તેઓ ન્યાય અને સત્યના માર્ગથી ભટકી જાય તો તેમને ઘણું ગુમાવવાનું છે."
ઈરાને સોમવાર (23 જૂન 2025) રાત્રે ઈરાક અને કતારમાં યુએસ લશ્કરી ઠેકાણાઓ પર છ મિસાઈલ છોડી હતી. આ પછી, કતારએ કહ્યું કે તે તેને તેની સંપ્રભુતા, હવાઈ ક્ષેત્ર, આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરનું ઉલ્લંઘન માને છે.
ઈરાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું - ઈઝરાયલ
ઈઝરાયલે મંગળવારે (25 જૂન 2025) કહ્યું કે ઈરાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ઈરાને ઇઝરાયલના આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેણે યુદ્ધવિરામ પહેલાં તેના પર હુમલો કર્યો હતો. IDF એ મંગળવારે કહ્યું કે ઇઝરાયલી વાયુસેનાએ ઈરાનમાં મિસાઈલ લોન્ચર્સ પર હુમલો કર્યો, જે ઇઝરાયલ પર હુમલો કરવા માટે તૈયાર હતા.