Earthquake in Nepal today: નેપાળમાં શુક્રવારે (4 એપ્રિલ, 2025) સાંજે 7:52 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડનું પિથોરાગઢ હતું અને તે 20 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. હાલમાં આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, નેપાળની સાથે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.

નેપાળ (Nepal earthquake Richter scale) વિશ્વના સૌથી વધુ સક્રિય ધરતીકંપવાળા વિસ્તારોમાંનું એક છે, જ્યાં ભૂકંપનું જોખમ સતત રહે છે. આ પહેલાં પણ આ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. શુક્રવારે (28 માર્ચ, 2025) મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. તે જ દિવસે નેપાળમાં સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા બિહાર, સિલીગુડી અને ભારતના અન્ય પડોશી વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.

મ્યાનમારમાં (Nepal Myanmar Thailand quake) આવેલા ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ હતી અને લાખો લોકો બેઘર થઈ ગયા હતા. ભારત સરકારે મ્યાનમારમાં ભૂકંપથી પ્રભાવિત લોકોની મદદ માટે 'ઓપરેશન બ્રહ્મા' નામનું એક મિશન પણ શરૂ કર્યું હતું. ભારત મ્યાનમારને ધરતીકંપથી નાશ પામેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાંસ્કૃતિક સ્થળોના પુનઃનિર્માણમાં મદદ કરશે. ભૂકંપ પહેલાં એ જ દિવસે ભારત અને તિબેટના સરહદી વિસ્તારોના રહેવાસીઓએ પણ આંચકા અનુભવ્યાની જાણ કરી હતી. થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના કારણે એક નિર્માણાધીન બહુમાળી ઈમારત પણ ધરાશાયી થઈ ગઈ હતી.

આ ઉપરાંત, ગુરુવારે (3 એપ્રિલ, 2025) મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લામાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર સાંગોલા નજીક જમીનથી પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું. આમ, છેલ્લા કેટલાક દિવસોમાં આસપાસના વિસ્તારોમાં ભૂકંપની વધતી જતી ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે. નેપાળમાં આવેલા આજના ભૂકંપથી કોઈ મોટી જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.