Iran US War: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની તાકાતનો સ્વીકાર કર્યો છે. શાંતિ વાટાઘાટો અને 48 કલાકની ધમકી બાદ ટ્રમ્પે કહ્યું કે ઈરાનના સૈનિકો સક્ષમ અને મજબૂત છે. તેમણે કહ્યું હતું કે, "જ્યારે દુશ્મન નબળો હોય છે ત્યારે તમને કોઈ સમસ્યા થતી નથી, પરંતુ આ દુશ્મન મજબૂત છે. જોકે, તેમની પાસે હવે લગભગ એક મહિના પહેલા જેટલી તાકાત નથી."
ટ્રમ્પે વેનેઝુએલામાં થયેલા ઓપરેશનનો ઉલ્લેખ કર્યો
ટ્રમ્પે કહ્યું હતું કે, "આપણી સેના વિશ્વની સૌથી મહાન અને સૌથી શક્તિશાળી સેના છે, જેમ કે બધાએ વેનેઝુએલામાં થયેલા ઓપરેશનમાં જોયું. આ મારા માટે ગર્વની વાત છે. મેં મારા પહેલા કાર્યકાળ દરમિયાન તેને વધુ મજબૂત બનાવી હતી અને મને ખ્યાલ નહોતો કે મારે મારા બીજા કાર્યકાળમાં તેનો આટલો વ્યાપક ઉપયોગ કરવો પડશે." ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો હતો કે અમેરિકા ટૂંક સમયમાં ઈરાન સાથે યુદ્ધ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે.
અમેરિકનો ઇચ્છે છે કે આપણે પાછા આવીએ: ટ્રમ્પ
વ્હાઇટ હાઉસ ખાતે એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે કહ્યું, "જો હું ઇચ્છું તો હું ઈરાનનું તેલ જપ્ત કરી શકું છું." કમનસીબે, અમેરિકન લોકો ઇચ્છે છે કે આપણે ઘરે પાછા ફરીએ. અમારું માનવું છે કે ઈરાનમાં નવું શાસન પાછલા શાસન કરતાં ઘણું વધારે સમજદાર છે. અમે ત્યાંનું શાસન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.' F-15 ફાઇટર જેટના વિનાશ અંગે ટ્રમ્પે કહ્યું હતું કે, "આ કિસ્સામાં ઈરાન થોડું નસીબદાર હતું. ક્યારેક યુદ્ધમાં નસીબની જરૂર પડે છે."
અમેરિકન રાષ્ટ્રપતિના મતે, ઈરાને અમેરિકા સમક્ષ શાંતિ પ્રસ્તાવ મૂક્યો છે. ટ્રમ્પે કહ્યું કે આ પ્રસ્તાવ સંપૂર્ણપણે સંતોષકારક ન પણ હોય, પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે જો ઈરાન શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કરે છે તો તેમની પાસે કોઈ પાવર પ્લાન્ટ કે પુલ નહીં રહે.
ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવા દઈશું નહીં: ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું હતું કે, "જો આપણે ઈચ્છીએ તો યુદ્ધમાંથી બહાર નીકળી શકીએ છીએ, પરંતુ હું આ પૂર્ણ કરવા માંગુ છું. ઈરાનને તેની સિસ્ટમો ફરીથી બનાવવામાં 15 વર્ષ લાગશે. અમે ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવા દઈશું નહીં. તેઓ પાગલ છે, અને તમે કોઈ પાગલ વ્યક્તિના હાથમાં પરમાણુ શસ્ત્રો આપી શકતા નથી. તેઓ ફક્ત હાર માનવા માંગતા નથી."
