EU Questioning Russian Oil Import : યુરોપિયન યુનિયનના અધિકારી જોસેપ બોરેલે અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા અને યુરોપિયન દેશોને વેચવા બદલ ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. તો ભારતના વિદેશ મંત્રીએ સહેજ પણ વિલંબ કર્યા વગર યુરોપિયન યુનિયન પર વળતો પ્રહાર કર્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે, EU અધિકારી જોસેપ બોરેલ પર વળતો પ્રહાર કરતા EU કાઉન્સિલ રેગ્યુલેશન જોવાની સલાહ આપી છે. 


તેમણે કહ્યું હતું કે, હું તમને યુરોપિયન યુનિયનના રેગ્યુલેશનને તપાસવાની વિનંતી કરું છું. રશિયન તેલને ત્રીજા દેશમાં રિફાઈન કરવામાં આવે છે. રિફાઇન્ડ તેલને રશિયન તેલ માનવામાં આવતું નથી. હું તમને EUના નિયમન 833/2014ને જોવા વિનંતી કરું છું. 


જયશંકરે બ્રસેલ્સમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં બાંગ્લાદેશ, સ્વીડન અને બેલ્જિયમની મુલાકાતે છે. આ ક્રમમાં તે સ્થાનિક સમય અનુસાર મંગળવારે બ્રસેલ્સ પહોંચ્યા હતા.


યુરોપિયન યુનિયને ભારતને આપી હતી ચેતવણી


વિદેશ મંત્રી એસ. જયશંકરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે એક દિવસ પહેલા જ યુરોપિયન યુનિયનની વિદેશ નીતિના ઉચ્ચ પ્રતિનિધિ જોસેપ બોરેલે કહ્યું હતું કે, ભારત રશિયન તેલ ખરીદી રહ્યું છે. આ સામાન્ય વાત છે. પરંતુ ભારત તેને રિફાઈન કરી રહ્યું છે. અને અમને તેમના ઉત્પાદનો વેચી રહ્યું છે. આ પ્રતિબંધોનું ઉલ્લંઘન છે. પ્રતિબંધો લાદવાનો હેતુ રશિયન આવક ઘટાડવાનો છે. યુરોપિયન યુનિયને તેનો ઉકેલ શોધવો પડશે.


આપણે ભારત પર કાર્યવાહી કરવી જોઈએ


આ સિવાય તેમણે કહ્યું હતું કે, ભારતનો આભાર માનવો જોઈએ કે, અમારી તરફથી રશિયન તેલની કિંમત પર નિર્ધારિત મર્યાદાને કારણે તે ખૂબ સસ્તું રશિયન તેલ ખરીદી રહ્યું છે. તે આપણા માટે પણ સારું છે. અમે માત્ર એટલું જ ઇચ્છીએ છીએ કે, રશિયા ઊંચા ભાવે તેલ વેચીને તેની આવકમાં વધારો ન કરે. પરંતુ ભારત આ તેલને રિફાઇન કરીને યુરોપના દેશોને વેચે છે, જે પ્રતિબંધોનું ઉલ્લંઘન છે.


આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ભારતનો આભાર માનવો જોઈએ કે અમારા તરફથી રશિયન તેલની કિંમત પર નિર્ધારિત મર્યાદાને કારણે તે ખૂબ સસ્તું રશિયન તેલ ખરીદી રહ્યું છે. તે આપણા માટે પણ સારું છે. અમે માત્ર એટલું જ ઇચ્છીએ છીએ કે રશિયા ઊંચા ભાવે તેલ વેચીને તેની આવકમાં વધારો ન કરે. પરંતુ ભારત આ તેલને રિફાઇન કરીને યુરોપના દેશોને વેચે છે, જે પ્રતિબંધોનું ઉલ્લંઘન છે.


જયશંકર જોસેપ બોરેલને મળ્યા


જોસેપ બોરેલે આ નિવેદન વિદેશ મંત્રી એસ જયશંકર બ્રસેલ્સ પહોંચતા પહેલા આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યારે તેઓ જયશંકરને મળશે ત્યારે તેઓ આ મુદ્દે વાત કરશે. બ્રસેલ્સ પહોંચ્યા બાદ જયશંકર જોસેપ બોરેલને પણ મળ્યા હતા. જો કે, જ્યારે એસ જયશંકર તેલની આયાત-નિકાસ પર જોસેપ બોરેલની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, ત્યારે તેઓ પ્રેસ કોન્ફરન્સમાં હાજર નહોતા.


યુરોપિયન યુનિયનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ માર્ગ્રેથે વેસ્ટેગરે જોસેપ બોરેલના સ્થાને પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રતિબંધોના કાયદાકીય આધાર વિશે કોઈ શંકા નથી. ભારત અને યુરોપિયન યુનિયન આ મુદ્દા પર મિત્રો તરીકે બેસીને વિગતવાર ચર્ચા કરશે અને એકબીજા પર આંગળી નહીં ચીંધે. આ ટ્રેડ ટેક્નોલોજી સમિટમાં વિદેશ મંત્રી એસ જયશંકર ઉપરાંત વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ હાજર હતા.