France Send Weapons to Ukraine: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 9 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. જો યુક્રેન યુદ્ધમાં મજબૂત રશિયન સેનાને ટક્કર આપી રહ્યું છે તો તેનો મોટો શ્રેય અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોને જાય છે, જેઓ યુક્રેનને હથિયાર અને પૈસાની સતત મદદ કરી રહ્યા છે. યુક્રેન અન્ય દેશો પાસેથી મળેલા હથિયારોની મદદથી જ આ યુદ્ધ લડી રહ્યું છે. હવે ફ્રાન્સે યુક્રેનને હથિયારોનો નવો જથ્થો મોકલ્યો છે.


ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મંગળવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ફ્રાન્સે યુક્રેનને રોકેટ લોન્ચર અને અન્ય હથિયારો મોકલ્યા છે, જ્યારે નવા વર્ષમાં કેટલાક વધુ હથિયારો મોકલવામાં આવશે.


ફ્રાન્સ અગાઉ પણ ઘણી વખત મદદ કરી ચૂક્યું છે


રાષ્ટ્રપતિ મેક્રોને મંગળવારે જણાવ્યું હતું કે, તાજેતરના દિવસોમાં ફ્રાન્સે યુક્રેનને શસ્ત્રો, રોકેટ લોન્ચર, ક્રોટાલ્સ (એર ડિફેન્સ બેટરી), સાધનો મોકલ્યા છે જે અમે ઘણી વખત મોકલ્યા છે. જોર્ડન જવા રવાના થતા અગાઉ મેક્રોને આ જાણકારી આપી હતી. મેક્રોને કહ્યું હતું કે અમે સશસ્ત્ર દળોના પ્રધાન (સેબેસ્ટિયન લેકોર્નુ) સાથે પણ કામ કરી રહ્યા છીએ જેથી પ્રથમ ત્રિમાસિક (2023) માં યુક્રેનને ફરીથી ઉપયોગી શસ્ત્રો અને દારૂગોળો મોકલી શકીએ.


યુક્રેનને સીઝર તોપ આપવાની તૈયારી


ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું કે યુક્રેનને કેટલી સીઝર તોપ પહોંચાડવામાં આવશે તેની સંખ્યાને લઇને ડેનમાર્ક સાથે ચાલી રહેલી ચર્ચાઓના પરિણામ પર નિર્ભર રહેશે, જેણે ફ્રાંસને સીઝર તોપ માટે ઓર્ડર આપ્યો છે.  તે આમાંથી કેટલીક તોપ કિવને આપવા માટે સહમત થશે તો તેમને ત્યાં મોકલવામાં આવશે.


ફેબ્રુઆરીમાં રશિયાના આક્રમણથી ફ્રાન્સે સીઝર તોપના 18 યુનિટ યુક્રેન મોકલ્યા છે. આ તોપની વિશેષતા વિશે વાત કરીએ તો, તે 40 કિલોમીટર (25 માઈલ)થી વધુના અંતરેથી પણ દારૂગોળો ફાયર કરવામાં સક્ષમ છે.


અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટે યુનિવર્સિટીના દરવાજા બંધ, તાલિબાને લગાવ્યો પ્રતિબંધ


તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓ વિરુદ્ધ કડક આદેશ જાહેર કર્યો છે. જે મુજબ અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટેની યુનિવર્સિટી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ મંત્રીના પત્ર અનુસાર તાલિબાને અફઘાનિસ્તાનમાં છોકરીઓ અને મહિલાઓ માટે ચાલતી યુનિવર્સિટીઓને બંધ કરવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાન મંત્રીનું કહેવું છે કે આ આદેશ આગળની સૂચના સુધી લાગુ છે અને તેને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે તેવી અપેક્ષા છે