નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પાકિસ્તાનમાં ધરપકડ કરાયેલા 2008ના મુંબઇ હુમલાના ગુનેગાર હાફિઝ સઇદની ધરપકડનું સ્વાગત કર્યું છે. નોંધનીય છે કે સઇદ પર અમેરિકાએ 10 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું છે. જોકે ટ્રમ્પે કહ્યું કે, 10 વર્ષના સર્ચ બાદ મુંબઇ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડની  પાકિસ્તાનમાં ધરપકડ કરાઇ છે. સત્ય એ છે કે હાફિઝ સઇદ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરીને ભારત વિરુદ્ધ ઝેર ઘોળી રહ્યો છે.


અમેરિકન રાષ્ટ્રપતિએ હાફિઝની ધરપકડ  પર ટ્વિટ કર્યું હતું કે, 10 વર્ષની શોધ બાદ અંતમાં મુંબઇ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડની પાકિસ્તાનમાં ધરપકડ કરાઇ છે. છેલ્લા બે વર્ષમાં તેને પકડવા માટે ખૂબ ભારે દબાણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે હાફિઝ સઇદને સંયુક્ત રાષ્ટ્ર સંઘને ગ્લોબલ આતંકી જાહેર કર્યો છે. અમેરિકા પણ તેને વૈશ્વિક આતંકી જાહેર કરી ચૂક્યું છે. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ખરાબ આર્થિક સ્થિતિને કારણે કોઇ પણ પ્રકારના પ્રતિબંધો સહન નહી કરી શકે જેથી તે આતંકીઓ પર કાર્યવાહી કરવા મજબૂર થઇ રહ્યું છે.