New York Flood:ન્યુ યોર્ક શહેર ફરી એકવાર કુદરતના પ્રકોપનો ભોગ બન્યું છે. ગુરુવારે (31 જુલાઈ, 2025) એક શક્તિશાળી વાવાઝોડા અને સતત મુશળધાર વરસાદને કારણે ન્યુ યોર્ક શહેરમાં અચાનક પૂરની ચેતવણી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પરના વીડિયો અને તસવીરોએ શહેરની નાજુક સ્થિતિ સ્પષ્ટ કરી છે.
પાર્ક સ્લોપના 7મા એવન્યુ સ્ટેશનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સ્ટેશનની દિવાલોમાંથી પાણી ટપકતું જોવા મળે છે. આ દૃશ્ય મુસાફરો માટે ખતરનાક તો હતું જ, પરંતુ તે સબવે સિસ્ટમની તૈયારીઓ પર પણ પ્રશ્નો ઉભા કરે છે. બ્રુકલિનના જય સ્ટ્રીટ-મેટ્રોટેક સ્ટેશનના એક ચિત્રમાં સ્ટેશનની અંદર પાણી ધોધની જેમ વહેતું જોવા મળે છે. આ દર્શાવે છે કે, આ કોઈ નાનો પાણી ભરાવો નથી, પરંતુ એક ગંભીર આપત્તિ છે.
ડૂબતી કાર અને ઠપ થઇ ટ્રેન
વરસાદ અને વાવાઝોડાને કારણે રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ગયા હતા. ક્વીન્સમાં ક્લિયરવોટર એક્સપ્રેસવે પર એક કાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલી જોવા મળી હતી. બ્રુકલિનમાં એક ઝાડ પડવાને કારણે ક્યુ લાઇન ટ્રેનો બંધ થઈ ગઈ હતી, જેના કારણે ટ્રાફિકમાં ભારે વિક્ષેપ પડ્યો હતો. ટ્રાફિક જામ, ડૂબી ગયેલા વાહનો અને રદ કરાયેલી ટ્રેન સેવાઓ દર્શાવે છે કે શહેરનું માળખાગત સુવિધા આ આફત માટે સંપૂર્ણપણે તૈયાર ન હતું. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, જેના કારણે રહેવાસીઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મેયર એરિક એડમ્સ દ્વારા ચેતવણી અને કટોકટીનો આદેશ
ન્યૂ યોર્ક શહેરના મેયર એરિક એડમ્સે ટ્વિટર પર જાહેરાત કરી હતી અને લખ્યું હતું કે, મેં ઇમર્જન્સીની સ્થિતિ જાહેર કરી છે. મુસાફરી સલાહ અને પૂરની ચેતવણી સવારે 8 વાગ્યા સુધી લાગૂ રહેશે. જો શક્ય હોય ટ્રાવેલિંગ ટાળવાની સૂચના અપાઇ છે. તેમણે ખાસ કરીને બેઝમેન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા નાગરિકોને સાવધ રહેવા અને ઊંચા સ્થળોએ જવાની સલાહ આપી હતી. જો તમે બેઝમેન્ટમાં રહેતા હોવ અને હજુ સુધી ઊંચાઈ પર ગયા નથી, તો હમણાં જ નીકળી જાઓ. મેયરનો આ મેસેજ લોકોની સલામતીને સીધી પ્રાથમિકતા આપે છે અને વહીવટની તૈયારી દર્શાવે છે.
ઝોહરાન મમદાનીની પ્રતિક્રિયા - ઘરમાં રહો
ડેમોક્રેટિક પાર્ટીના મેયર પદના ઉમેદવાર ઝોહરાન મમદાનીએ પણ ટ્વિટર પર પોતાના વિચારો શેર કર્યા. તેમણે લખ્યું, "એક શક્તિશાળી દરિયાકાંઠાનું વાવાઝોડું આપણા શહેર પર ત્રાટક્યું છે અને ખતરનાક પૂર હજારો ન્યૂ યોર્કવાસીઓને અસર કરી શકે છે." તેમણે નાગરિકોને સબવે સ્ટેશનો અથવા ડૂબી ગયેલા રસ્તાઓથી દૂર રહેવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવાનું સૂચન કર્યું. તેમના શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે આ રાજકીય વાણી-વિલાસનો સમય નથી, પરંતુ સામૂહિક સલામતી વિશે પગલા લેવાનો સમય છે.