Imran Khan Pakistan News: ઈસ્લામાબાદ હાઈકોર્ટે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાન ખાનને રાહત આપી છે. કોર્ટે કહ્યું છે કે, ઈસ્લામાબાદમાં નોંધાયેલા કોઈપણ કેસમાં ઈમરાનની 31 મે સુધી ધરપકડ કરવામાં ન આવે. હાઈકોર્ટના આ આદેશથી પોલીસ-પ્રશાસન ઈમરાનની ધરપકડ કરતા અટકી ગયું છે. શાહબાઝ શરીફની આગેવાની હેઠળની વર્તમાન કેન્દ્ર સરકાર માટે આ મોટો ફટકો છે.
વડાપ્રધાન શાહબાઝ શરીફ ઈચ્છે છે કે,ઈમરાનને એક યા બીજા કેસમાં જલ્દીથી ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે. શાહબાઝ સરકારના કાર્યકાળ દરમિયાન ઈમરાન અને તેની પાર્ટી સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ સેંકડો કેસ નોંધાયેલા છે. એકલા ઈમરાન પર 120 થી વધુ કેસ ચાલી રહ્યા છે. તાજેતરમાં, અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટમાંથી અચાનક તેની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યાર બાદ આખા પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો હતો. વિવિધ સ્થળોએ હિંસા અને આગચંપી થઈ હતી. શાહબાઝ સરકારે સોમવાર, 15 મેના રોજ સંસદમાં જણાવ્યું હતું કે, ઇમરાનના સમર્થકોની હિંસાથી 6 અબજ રૂપિયાનું નુકસાન થયું છે. તેમાં પાકિસ્તાની સૈન્ય અધિકારીઓના રહેઠાણોને નિશાન બનાવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સેનાની સંપત્તિને નિશાન બનાવવામાં આવી હતી
પાકિસ્તાની મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે, 9 મે 2023ના રોજ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ લાહોરમાં પીએમના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત સેના કમાન્ડરોના નિવાસસ્થાન અને ઓફિસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ હિંસક પ્રદર્શનોમાં દેશભરમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
જ્યારે 2 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ઈમરાન વિરુદ્ધ આર્મી એક્ટની કલમ 59 અને 60 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ કલમ નાગરિક અપરાધો માટે લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત જો દોષી સાબિત થાય તો ગુનેગાર માટે મૃત્યુદંડની જોગવાઈ છે.
Pakistan : ઈમરાનના ઘરમાં 30-40 આતંકીઓ છુપાયા-ચારેકોર પોલીસ તૈનાત
પાકિસ્તાનમાં વિવાદ જાણે અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે પોલીસે દાવો કર્યો છે કે, જમાન પાર્ક સ્થિત પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ઘરમાં 30-40 આતંકીઓ છુપાયેલા છે. આ જાહેરાત બાદ પોલીસે ઈમરાન ખાનના ઘરને ચારે બાજુથી ઘેરી લીધું હતું. ઈમરાન ખાન પર લાહોરના કોર્પ્સ કમાન્ડરના ઘર પર હુમલો કરવાનો આરોપ છે.
પાકિસ્તાનની પંજાબ સરકારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ને પૂર્વ વડાપ્રધાન અને પાર્ટીના વડા ઈમરાન ખાનના લાહોરમાં જમાન પાર્ક હાઉસમાં છુપાયેલા 30-40 આતંકવાદીઓને પોલીસને હવાલે કરી દેવાનો આદેશ આપ્યો છે. સરકારે આ આદેશમાં પાર્ટીને માત્ર 24 કલાકનો સમય આપ્યો છે. પંજાબ સરકારના કાર્યકારી માહિતી મંત્રી આમિર મીરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માહિતી આપી છે. મીરે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, જો પીટીઆઈ આ આતંકવાદીઓને નહીં આપે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે.