Pakistan Toshakhana Case: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા ઈમરાન ખાનને તોશખાના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે ઈમરાન ખાન પર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.






ઈમરાનની પાર્ટી પીટીઆઈએ દાવો કર્યો હતો કે ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટના નિર્ણય બાદ ઇમરાનની રાજકીય કારકિર્દી મુશ્કેલીમાં આવી ગઇ છે. તે આગામી 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. ઈસ્લામાબાદ પોલીસે ઈમરાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં રાજકીય માહોલ ગરમાઇ શકે છે.


આ પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તોશખાના કેસમાં રાહત માંગતી ઈમરાન ખાનની અરજીને ફગાવી દીધી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડા ઈમરાન પર આરોપ હતો કે તેણે તોશખાનામાંથી તેમના દ્વારા રાખવામાં આવેલી ભેટની વિગતો 'ઈરાદાપૂર્વક છૂપાવી' હતી. કોર્ટમાં આરોપો સાબિત થયા બાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો.


કોર્ટના નિર્ણય બાદ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે આ એકદમ શરમજનક અને ઘૃણાજનક છે. કાયદાની મજાક ઉડાવવામાં આવી રહી છે, માત્ર એટલા માટે કે ઈમરાન ખાનને ગેરલાયક ઠેરવવાની અને જેલમાં નાખવાની ઈચ્છા છે.


શું છે તોશખાના કેસ?


તોશખાના એ પાકિસ્તાનમાં એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના વડાઓ, વિદેશી મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સાંસદો, અમલદારો અને અધિકારીઓને આપવામાં આવતી ભેટો રાખવામાં આવે છે. વડાપ્રધાન તરીકે ઈમરાન ખાન પર આરોપ હતો કે તેણે તોશખાનામાં રાખવામાં આવેલી ભેટને ઓછી કિંમતે ખરીદી હતી અને પછી નફો કમાવવા માટે તેને વેચી દીધી હતી.


વર્ષ 2018 માં ઈમરાન ખાને દેશના પીએમ તરીકે યુરોપ અને ખાસ કરીને આરબ દેશોની મુલાકાત દરમિયાન ઘણી કિંમતી ભેટો મેળવી હતી. ઈમરાન દ્વારા ઘણી ગિફ્ટ જાહેર કરવામાં આવી ન હતી, જ્યારે ઘણી ગિફ્ટ ઓરિજિનલ કરતાં ઘણી ઓછી કિંમતે ખરીદવામાં આવી હતી અને બહાર જઈને ઊંચા ભાવે વેચાઈ હતી. ભૂતપૂર્વ વડાપ્રધાને ચૂંટણી પંચને કહ્યું હતું કે આ ભેટો રાજ્યની તિજોરીમાંથી 2.15 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી અને તેને વેચીને તેમને લગભગ 5.8 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. અન્ય ભેટોમાં એક Graff ઘડિયાળ, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળનો સમાવેશ થાય છે.