Israel Hamas War :ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં  ઇઝરાયલ વિરૂદ્ધ ઈરાન અને સાઉદી અરેબિયા એક થયા છે. ઇઝરાયલી સૈનિકોએ હમાસના નેવલ કમાન્ડરને  મોતના ઘાટ ઉતારી દીઘો છે.


રશિયા અને યુક્રેન બાદ દુનિયા હવે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધનો સામનો કરી રહી છે. બંને તરફથી સતત હુમલા કરવામાં આવી રહ્યા છે અને આ હુમલાઓમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. દરમિયાન, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસના આતંકવાદીઓ  અને તેમના સૈનિકોને  સીધી ધમકી આપી છે. નેતન્યાહુએ કહ્યું છે કે, હમાસના આતંકવાદીઓએ હવે પોતાને મૃત માની લેવું જોઈએ, કારણ કે હવે તેમને શોધી- શોધીને તેમનો ખાતમો કરવામાં આવશે.  


ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ સતત દેશવાસીઓને બચાવવાથી લઈને દેશ પર હુમલો કરનારાઓ સુધીના નિવેદનો આપી રહ્યા છે. આ પહેલા શનિવારે પણ હમાસ દ્વારા 5000 મિસાઈલ છોડવામાં આવ્યા બાદ તેઓએ જાહેરાત કરી હતી કે અમે યુદ્ધમાં છીએ.


હમાસને કચડી નાખશે


બેન્જામિન નેતન્યાહુએ એમ પણ કહ્યું કે, હમાસ  એક  ઈસ્લામિક સ્ટેટ છે, જેને અમે કચડી નાખીશું. તેમણે એમ પણ કહ્યું કે, જે રીતે દુનિયા આતંકવાદીઓને પાઠ ભણાવી રહી છે, એ જ રીતે અમે પણ હમાસનો નાશ કરીશું.


હમાસ નેવલ કમાન્ડર માર્યો ગયો


આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ હમાસના નેવલ કમાન્ડરને પણ મારી નાખ્યો છે. પીએમ નેતન્યાહુના નિવેદનની તર્જ પર હવે ઇઝરાયેલની સેના સતત હમાસના આતંકીઓને નિશાન બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે, ગાઝામાં ઈઝરાયેલના હુમલા વચ્ચે ઘણા વિદેશી પ્રવાસીઓ પણ અટવાઈ ગયા છે. ઇજિપ્ત દ્વારા આ પ્રવાસીઓને બહાર કાઢવા માટે માનવતાવાદી કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો કે હજુ સુધી આ અંગે ઈજીપ્ત તરફથી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.


6 દિવસથી ચાલી રહેલી જંગમાં હજારો લોકોએ ગુમાવ્યા જીવ


હમાસ અને ઈઝરાયેલ વચ્ચે 6 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન હજારો લોકો માર્યા ગયા અને અસરગ્રસ્ત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે આપેલી માહિતી મુજબ હમાસના હુમલામાં મૃત્યુઆંક 1300 સુધી પહોંચી ગયો છે. જ્યારે આ હુમલાઓમાં 3300 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 300થી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ગાઝાની વાત કરીએ તો અહીં મૃત્યુઆંક 1200ની નજીક પહોંચી ગયો છે.


ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર હમાસના 1500 આતંકવાદીઓ માર્યા ગયા છે. એ જ રીતે, છેલ્લા 6 દિવસમાં યુદ્ધમાં મૃત્યુઆંક 4000ને સ્પર્શી ગયો છે.


ઈરાન અને સાઉદી અરેબિયા ઈઝરાયેલ સામે એક થયા


યુદ્ધની વચ્ચે ઈઝરાયેલ માટે આ મોટો ફટકો છે. વાસ્તવમાં ઈરાન અને સાઉદી અરેબિયાએ પેલેસ્ટાઈનના સમર્થનમાં હાથ મિલાવ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ અને સાઉદી ક્રાઉન પ્રિન્સે ફોન પર વાત કરી છે. બંને પેલેસ્ટાઈનીઓને ઈઝરાયેલથી બચાવવા સંમત થયા છે.