S Jaishankar in UNGA:  ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 80મા સત્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પાકિસ્તાનને "વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર" ગણાવ્યું અને દાયકાઓથી આંતરરાષ્ટ્રીય આતંકવાદી હુમલાઓ પાછળ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો.

Continues below advertisement

Continues below advertisement

"ભારતને સ્વતંત્રતા બાદથી આતંકવાદનો સામનો કર્યો છે" - જયશંકર

જયશંકરે કહ્યું હતું કે, "ભારતે સ્વતંત્રતા પછી આ પડકારનો સામનો કર્યો છે કારણ કે તેનો પાડોશી વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે. દાયકાઓથી મોટા આંતરરાષ્ટ્રીય આતંકવાદી હુમલાઓના મૂળ તે દેશ સાથે જોડાયેલા છે. યુએનની આતંકવાદી યાદીમાં ઘણા નામો તે દેશના નાગરિકો છે."

પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ આ વર્ષે એપ્રિલમાં પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓની હત્યાને તાજેતરના સરહદ પાર આતંકવાદી ક્રૂરતાના ઉદાહરણ તરીકે ટાંક્યું. તેમણે કહ્યું હતું કે, "ભારતે તેના લોકોની સુરક્ષા માટે બદલો લીધો અને આ ઘટનાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવ્યા."

આતંકવાદને અટકાવવો એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે

જયશંકરે કહ્યું હતું કે, "આતંકવાદનો સામનો કરવો એ આપણી પ્રાથમિકતા છે કારણ કે તે કટ્ટરતા, હિંસા, અસહિષ્ણુતા અને ભયને જોડે છે. તેથી આપણે આપણા અધિકારોનું રક્ષણ કરતી વખતે આવા જોખમોનો હિંમતપૂર્વક સામનો કરવો જોઈએ."

વિશ્વે સાથે મળીને કાર્ય કરવું જોઈએ

તેમણે ભાર મૂક્યો કે આતંકવાદ એક સામાન્ય ખતરો છે અને આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ ગાઢ બનાવવો જરૂરી છે. જયશંકરે કહ્યું, "જ્યારે દેશો ખુલ્લેઆમ આતંકવાદને તેમની નીતિ તરીકે અપનાવે છે, જ્યારે આતંકવાદી અડ્ડાઓ મોટા પાયે કાર્યરત હોય છે અને જ્યારે આતંકવાદીઓની જાહેરમાં પ્રશંસા કરવામાં આવે છે  ત્યારે આવી ક્રિયાઓની સખત નિંદા કરવી જોઈએ. આતંકવાદી ભંડોળ બંધ કરવું જોઈએ અને મોટા આતંકવાદીઓને પ્રતિબંધિત કરવા જોઈએ."

"આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓએ કિંમત ચૂકવવી પડશે"

વિદેશ મંત્રીએ ચેતવણી આપી હતી કે આતંકવાદને ટેકો આપતા અને સમર્થન આપતા દેશો પર સતત દબાણ લાવવું જોઈએ. તેમણે કહ્યું, "આતંકવાદને પ્રાયોજિત કરનારાઓનું રક્ષણ કરનારા દેશો પણ પરિણામોનો સામનો કરશે."

સ્થાયી અને અસ્થાયી બંન્ને કેટેગરીઓનો વિસ્તાર જરૂરી

જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે સંસ્થાને ખરેખર પ્રતિનિધિત્વ આપવા માટે કાઉન્સિલના કાયમી અને બિન-કાયમી બંને સભ્યપદનો વિસ્તાર કરવો જોઈએ. ભારત આવી કાઉન્સિલનો ભાગ બનીને મોટી જવાબદારીઓ નિભાવવા તૈયાર છે.