ટેરીફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પને ડબલ ઝટકો, 27 દેશો ભારત સાથે કરશે મેગા ડિલ, ગ્રીનલેન્ડ મુદ્દે બઘડાટી
India EU FTA Deal 2026: 27 જાન્યુઆરીએ ભારત અને EU વચ્ચે મુક્ત વેપાર કરારની જાહેરાત; ગ્રીનલેન્ડ મુદ્દે દાદાગીરી કરવી ભારે પડી, 27 દેશોએ અમેરિકાને આપ્યો સણસણતો જવાબ.

India EU FTA Deal 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની આક્રમક 'ટેરિફ પોલિસી' અને ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની જીદ હવે તેમના માટે જ મુસીબત બની ગઈ છે. ટ્રમ્પને આંતરરાષ્ટ્રીય સ્તરે એકસાથે 'બેવડો ફટકો' (Double Blow) પડ્યો છે. યુરોપિયન યુનિયન (EU) ના 27 દેશોએ અમેરિકા સામે બળવો પોકારીને ભારત સાથે હાથ મિલાવવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, આજે બુધવારે (21 January, 2026) ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં યુરોપિયન સંસદ સત્તાવાર રીતે અમેરિકા સાથેનો વેપાર કરાર સ્થગિત કરવાની જાહેરાત કરી શકે છે. બીજી તરફ, યુરોપિયન યુનિયન આગામી 27 January ના રોજ ભારત સાથે ઐતિહાસિક 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' (FTA) ની જાહેરાત કરવા જઈ રહ્યું છે.
ભારત માટે સારા સમાચાર: ટેરિફ મુક્ત વેપાર
આ ઘટનાક્રમ ભારત માટે મોટી તક લઈને આવ્યો છે. 27 January એ જાહેર થનારા ભારત-EU મુક્ત વેપાર કરાર (FTA) બાદ ભારતીય સામાનને યુરોપના 27 દેશોના બજારોમાં ખૂબ જ ઓછી અથવા શૂન્ય ટેરિફ (Zero Tariff) સાથે પ્રવેશ મળશે. આનાથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે. એક તરફ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતીય સામાન પર 50% જેટલો તોતિંગ ટેરિફ લાદ્યો છે, ત્યારે યુરોપ સાથેનો આ કરાર ભારત માટે સંજીવની સમાન સાબિત થશે.
શા માટે યુરોપ વિફર્યું? (ગ્રીનલેન્ડ વિવાદ)
આ વિવાદના મૂળમાં 'ગ્રીનલેન્ડ' (Greenland) છે. ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ ઈચ્છે છે કારણ કે તેમને ત્યાં ચીન અને રશિયાની વધતી ગતિવિધિઓથી ખતરો લાગે છે. પરંતુ ગ્રીનલેન્ડ જે ડેનમાર્કનો ભાગ છે, તેને યુરોપિયન દેશોનું સમર્થન છે. ટ્રમ્પે ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુકે, નેધરલેન્ડ અને ફિનલેન્ડ જેવા 8 દેશોને ધમકી આપી હતી કે જો તેઓ ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાને સાથ નહીં આપે તો 1 February થી તેમના સામાન પર 10% ટેરિફ લાગશે. આ ધમકીથી નારાજ થઈને યુરોપે અમેરિકા સાથે ગયા જુલાઈમાં સ્કોટલેન્ડમાં થયેલો વેપાર કરાર તોડી નાખવાનો નિર્ણય લીધો છે.
અમેરિકા સાથેની ડીલ શું હતી?
ગયા વર્ષે જુલાઈમાં યુરોપ અને અમેરિકા વચ્ચે એક સમજૂતી થઈ હતી, જેમાં અમેરિકાએ યુરોપિયન સામાન પર ટેરિફ 30% થી ઘટાડીને 15% કર્યો હતો. બદલામાં યુરોપિયન દેશોએ અમેરિકામાં રોકાણ વધારવાનું વચન આપ્યું હતું. પરંતુ ટ્રમ્પની નવી ધમકી અને બ્લેકમેઈલિંગ (Blackmailing) ની નીતિને કારણે હવે આ કરાર ઇતિહાસ બની જશે. ફ્રાન્સના વિદેશ મંત્રીએ ટ્રમ્પના વલણને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે.






















