Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
યુદ્ધ પછી ગાઝાના પુનર્વિકાસ માટે અમેરિકાનો મોટો પ્લાન; ભારત બનશે 'પીસ મેકર', પાકિસ્તાનના દાવા વચ્ચે ઈઝરાયલનો ઝુકાવ ભારત તરફ; કાયમી સભ્યપદ માટે $1 Billion ના ફંડની શરત.

India in Gaza Peace Board: વૈશ્વિક રાજકારણમાં ભારતનું કદ સતત વધી રહ્યું છે તેનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ગાઝા પીસ બોર્ડ' (Gaza Peace Board) માં જોડાવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું છે. આ બોર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય ઈઝરાયલ-હમાસ યુદ્ધ બાદ ગાઝા પટ્ટીમાં શાસન વ્યવસ્થા સંભાળવી અને ત્યાં પુનર્વિકાસ (Redevelopment) ની કામગીરી પર દેખરેખ રાખવાનો છે. ટેરિફ અને વેપાર સમજૂતીની ચર્ચાઓ વચ્ચે અમેરિકા દ્વારા ભારતને અપાયેલું આ આમંત્રણ ભારતની મજબૂત કૂટનીતિનો પુરાવો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ બોર્ડની અધ્યક્ષતા ખુદ ટ્રમ્પ કરશે, જેમાં પેલેસ્ટિનિયન ટેક્નોક્રેટ્સની સમિતિ અને એક એક્ઝિક્યુટિવ બોર્ડ પણ હશે જે સલાહકારની ભૂમિકા ભજવશે.
ભારતને આ મહત્વની જવાબદારી સોંપવા પાછળનું મુખ્ય કારણ તેની તટસ્થ અને સંતુલિત વિદેશ નીતિ છે. ભારત એક એવો દુર્લભ દેશ છે જેને ઇઝરાયલ (Israel) અને પેલેસ્ટાઇન (Palestine) બંને પક્ષો સ્વીકારે છે અને સન્માન આપે છે. ભારત ઇઝરાયલનો મજબૂત વ્યૂહાત્મક ભાગીદાર હોવાની સાથે સાથે પેલેસ્ટાઇનને પણ વર્ષોથી માનવતાવાદી સહાય પૂરી પાડતું આવ્યું છે. તાજેતરના સંઘર્ષ દરમિયાન પણ ભારતે ઇજિપ્તના રસ્તે ગાઝાને મોટી માત્રામાં રાહત સામગ્રી મોકલી હતી. ટ્રમ્પના આ 'ગાઝા પીસ બોર્ડ'માં ભારત ઉપરાંત અન્ય 4 દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. યોજનાના ડ્રાફ્ટ મુજબ, જે દેશો આ બોર્ડનું કાયમી સભ્યપદ (Permanent Membership) ઇચ્છતા હોય તેમણે US$ 1 Billion (એક અબજ ડોલર) નું યોગદાન આપવું પડશે, જ્યારે 3 વર્ષની સભ્યપદ માટે કોઈ નાણાકીય શરત રાખવામાં આવી નથી.
બીજી તરફ, આ મામલે પાકિસ્તાને પણ એવો દાવો કર્યો છે કે તેને પણ ટ્રમ્પ તરફથી બોર્ડમાં જોડાવા આમંત્રણ મળ્યું છે. જોકે, વાસ્તવિકતા કંઈક અલગ હોઈ શકે છે. ભૂતકાળમાં ઈઝરાયલના રાજદૂત રુવેન અઝારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ગાઝાના ભવિષ્ય માટે પાકિસ્તાનની ભૂમિકા ઈઝરાયલને સ્વીકાર્ય રહેશે નહીં. તેવામાં ભારતની દાવેદારી વધુ મજબૂત બને છે. ટ્રમ્પની આ પહેલ મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટેનો એક મોટો પ્રયાસ છે અને તેમાં ભારત જેવા લોકશાહી અને શાંતિપ્રિય દેશની ભાગીદારી વિશ્વમાં ભારતનો ભૌગોલિક-રાજકીય પ્રભાવ (Geopolitical Influence) વધારશે. ભારત હવે માત્ર પ્રેક્ષક નથી, પરંતુ સંઘર્ષોના ઉકેલમાં 'શાંતિ નિર્માતા' તરીકે ઉભરી રહ્યું છે.






















